ધ્રાંગધ્રા હાઇવે પર દારૂ ભરેલી કાર ઝડપાઈ:ટાટા હેરિયરમાંથી ₹12.85 લાખનો મુદ્દામાલ સુરેન્દ્રનગર LCB દ્વારા જપ્ત

Gujarat5/12/2026, 2:01:52 PM
ધ્રાંગધ્રા હાઇવે પર દારૂ ભરેલી કાર ઝડપાઈ:ટાટા હેરિયરમાંથી ₹12.85 લાખનો મુદ્દામાલ સુરેન્દ્રનગર LCB દ્વારા જપ્ત
સુરેન્દ્રનગર LCB ટીમે ધ્રાંગધ્રા-કચ્છ હાઇવે પર સોલડી ટોલ નાકા પાસેથી એક ટાટા હેરિયર કારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹12,85,028નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત, હાઇવે પરથી પસાર થતા વાહનોમાં છુપાવીને દારૂની હેરાફેરી અટકાવવા માટે એલ.સી.બી.ને સૂચનાઓ અપાઈ હતી. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાના નેતૃત્વ હેઠળ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની ટીમોએ હાઇવે પર સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન સોલડી ટોલ નાકા પાસે શંકાસ્પદ ટાટા હેરિયર ગાડીને રોકવામાં આવી હતી. વાહનમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની 324 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹4,85,028 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, ₹8,00,000ની ટાટા હેરિયર ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, કુલ ₹12,85,028નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગાડીના ચાલક, ગાડીના સાચા રજિસ્ટ્રેશન નંબર GJ08DP2996ના માલિક, દારૂ મંગાવનાર અને મોકલનાર સહિતના ફરાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ. ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ. ઇન્સ. એન.એ. રાયમા, એ.એસ.આઇ. અસલમખાન મલેક, પો.હેડ કોન્સ. દશરથભાઇ ઘાંઘર, પો.કોન્સ. પ્રતાપસિંહ રાઠોડ અને પો.કોન્સ. સંજયભાઇ પાઠક સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે.
Read Original Article →