સુરેન્દ્રનગરમાં જનસેવા કેન્દ્રોની કામગીરીમાં ફેરફાર:અરજદારોને ઝડપી સેવા મળશે, ભારણ ઘટાડવા વહીવટી તંત્રનો નિર્ણય
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ જનસેવા કેન્દ્રોની કામગીરીનું ભારણ ઘટાડવા અને અરજદારોને ઝડપથી સેવાઓ મળી રહે તે માટે મહત્વના ફેરફારો કર્યા છે. વેકેશન બાદ શરૂ થતી શૈક્ષણિક પ્રવેશોત્સવ, શિષ્યવૃત્તિ, ફી માફી, સરકારી યોજનાઓ અને ભરતી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં દૂધરેજ, રતનપર, જોરાવરનગર, ખેરાળી, માળોદ, મૂળચંદ, ચમારજ અને ખમીસણા જેવા ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થતાં સીટી મામલતદાર કચેરી ખાતે અરજીઓનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. અરજદારોને પડતી મુશ્કેલીઓ અને પ્રમાણપત્રો ઇશ્યૂ કરવામાં થતા વિલંબને નિવારવા કલેક્ટર દ્વારા કામગીરીની નવી વહેંચણી અમલમાં મૂકવામાં આવી છે. નવા આદેશ મુજબ, સીટી મામલતદાર કચેરી અંતર્ગત આવતા તમામ વિસ્તારોના ચોક્કસ જાતિ વિષયક પ્રમાણપત્રો હવે બહુમાળી ભવન, સુરેન્દ્રનગર ખાતેથી મળશે. જેમાં SEBC જાતિ પ્રમાણપત્ર (અંગ્રેજી/ગુજરાતી), વિચરતી/વિમુક્ત જાતિ પ્રમાણપત્ર, ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર, બિન-અનામત વર્ગનું પ્રમાણપત્ર અને SC જાતિ પ્રમાણપત્ર (અંગ્રેજી/ગુજરાતી)નો સમાવેશ થાય છે. આ પ્રમાણપત્રો ચાલુ વર્ષમાં નવો હુકમ ન થાય ત્યાં સુધી નાયબ નિયામક વિકસતી જાતિ, બ્લોક-એ, રૂમ નંબર 204, બહુમાળી ભવન અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ, બ્લોક-એ, રૂમ નંબર 205, બહુમાળી ભવન દ્વારા કાઢી આપવામાં આવશે. જ્યારે અન્ય તમામ વહીવટી અને આવકના પ્રમાણપત્રો પૂર્વવત્ રીતે મામલતદાર કચેરી ખાતેથી જ ઉપલબ્ધ થશે. આમાં નોન-ક્રીમીલીયર પ્રમાણપત્ર (ગુજરાતી/અંગ્રેજી), EWS પ્રમાણપત્ર (ગુજરાતી/અંગ્રેજી), ડોમીસાઇલ પ્રમાણપત્ર, સીનીયર સીટીઝન પ્રમાણપત્ર, રહેઠાણનો દાખલો, આવકનો દાખલો, ચારિત્ર્ય પ્રમાણપત્ર, સોલવંશી પ્રમાણપત્ર, વિધવા અંગેનું પ્રમાણપત્ર, વારસાઈ પ્રમાણપત્ર તેમજ ST જાતિ પ્રમાણપત્ર (અંગ્રેજી/ગુજરાતી)નો સમાવેશ થાય છે. અરજદારો આ પ્રમાણપત્રો મામલતદાર સુરેન્દ્રનગર શહેરની કચેરી ખાતેથી મેળવી શકશે.
Read Original Article →