સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ:જન કલ્યાણ શિબિર, સ્વચ્છતા સપ્તાહ અને SWM નિયમો પર ચર્ચા કરાઈ

Gujarat6/8/2026, 10:05:17 AM
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ:જન કલ્યાણ શિબિર, સ્વચ્છતા સપ્તાહ અને SWM નિયમો પર ચર્ચા કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી (DDO) કે. એસ. યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા અને અન્ય ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસ અને ગ્રામીણ સુખાકારીને ધ્યાનમાં રાખીને 'જન કલ્યાણ શિબિર', 'સ્વચ્છતા સપ્તાહ' અને 'સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) રૂલ્સ-૨૦૨૬' અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન, આગામી જન કલ્યાણ શિબિરો દ્વારા સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સુદ્રઢ આયોજન કરાયું હતું. આ ઉપરાંત, જિલ્લામાં સ્વચ્છતાનું સ્તર સુધારવા માટે યોજાનાર 'સ્વચ્છતા સપ્તાહ'ની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો અને સફાઈ ઝુંબેશ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. નવા અમલી બનેલા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) રૂલ્સ-૨૦૨૬ અંગે પદાધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમને ગ્રામ્ય સ્તરે કચરાના નિકાલ અને તેના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન માટે તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કરાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા અને વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત તમામ પદાધિકારીઓને અપીલ કરવામાં આવી હતી કે સ્વચ્છતા એ માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ એક જન આંદોલન છે. આ અભિયાનને સફળ બનાવવા માટે તમામ પદાધિકારીઓ પોતાના વિસ્તારોમાં સક્રિય સહયોગ આપે અને ગ્રામજનોને પણ આ કાર્યમાં જોડે. આ બેઠકમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના અધ્યક્ષો, સભ્યો અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જિલ્લાને સ્વચ્છ, સુંદર અને સુવિધાસભર બનાવવા માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Read Original Article →