કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ સમિતિની બેઠક:જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશનની સમીક્ષા કરાઈ

Gujarat5/25/2026, 2:31:16 PM
કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ સમિતિની બેઠક:જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશનની સમીક્ષા કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જલ જીવન મિશન, નલ સે જલ, ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના અમલીકરણની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં અગાઉની કાર્યવાહી નોંધને બહાલી અપાઈ હતી. ત્યારબાદ, જિલ્લામાં ચાલી રહેલા, પ્રગતિ હેઠળના અને પૂર્ણ થયેલ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા થઈ. કલેક્ટરે હર ઘર જલ સર્ટિફિકેશન, ગતિ શક્તિ પોર્ટલ પર ડેટા એન્ટ્રી, તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં શુદ્ધ પીવાના પાણીની સુવિધા, તેમજ પાણીની ગુણવત્તા ચકાસણી માટે FTK ટેસ્ટિંગની પ્રગતિની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠક દરમિયાન પાણી પુરવઠા સંબંધિત વહીવટી અને ટેકનિકલ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં બાકી ઓડિટની કામગીરી, ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓમાં લાઈન લીકેજ, પમ્પિંગ મશીનરીની જાળવણી અને સંચાલન સંબંધિત અડચણો દૂર કરી સ્થાનિક પ્રશ્નોનું ઝડપી નિવારણ કરવા જણાવાયું હતું. કલેક્ટરે તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને સતત અને ગુણવત્તાયુક્ત પાણી પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં પાણી અંગેની ફરિયાદો કે સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત કરાયેલા ટોલ-ફ્રી નંબર 1916 પર આવતી ફરિયાદોનો સત્વરે નિકાલ કરવા પણ ખાસ સૂચના આપી હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →