સુરેન્દ્રનગરની હોટલોમાં પોલીસના દરોડા:ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ 2 હોટલ સંચાલકો સામે કેસ

Gujarat4/7/2026, 3:38:24 PM
સુરેન્દ્રનગરની હોટલોમાં પોલીસના દરોડા:ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ 2 હોટલ સંચાલકો સામે કેસ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસે હોટલો અને ગેસ્ટ હાઉસ પર દરોડા પાડ્યા હતા. એસ.ઓ.જી., સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ દરોડામાં બે હોટલના સંચાલકો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) ના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક વેદિકા બિહાની (IPS) એ ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. આ કાર્યવાહી દરમિયાન, સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસે બે હોટલના સંચાલકો સામે BNS ની કલમ 223 હેઠળ કેસ દાખલ કર્યા છે. જેમાં પાવર હાઉસ પાસે આવેલી હોટલ ધ પેલેસના સંચાલક ક્રિપાલસિંહ ભવાનીસિંહ જાડેજા (રહે. ધ્રાંગધ્રા) અને એમ.પી. શાહ કોલેજ પાસે આવેલી હોટલ બ્લુ બર્ડના સંચાલક દેવાંગ મનુ ખાંભલા (રહે. કોરડા ગામ, તા. ચુડા) નો સમાવેશ થાય છે. ઉપરોક્ત કાર્યવાહી ઉપરાંત, સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં આવેલી અન્ય હોટલો પણ તપાસવામાં આવી હતી. જેમાં સેટર્ન હોટલ, શિવ-શક્તિ ગેસ્ટ હાઉસ, હર્ષદ ગેસ્ટ હાઉસ, આંગન હોટલ, વૃંદાવન હોટલ, સ્કાય ઇન હોટલ, ડાયમંડ હોટલ અને સન રાઇઝ હોટલનો સમાવેશ થાય છે. હોટલ ચેકિંગ દરમિયાન, સંચાલકોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં 18 વર્ષથી નીચેના સગીરોને વાલીની સંમતિ વગર રૂમ ભાડે ન આપવા, ગેરકાયદેસર હેતુ માટે હોટલોનો ઉપયોગ ન કરવા, સી.સી.ટી.વી. રેકોર્ડ એક મહિના સુધી સાચવવા અને પથિક સોફ્ટવેરમાં દરેક ગ્રાહકની ઓનલાઈન એન્ટ્રી ફરજિયાત કરવા જણાવ્યું હતું. આ કામગીરીમાં SOG PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહીલ અને સ્ટાફ; એ ડિવિઝન PSI બી.કે. મારુડા, PSI આર.જી. ચુડાસમા અને સ્ટાફ; તેમજ બી ડિવિઝન PSI એમ.બી. ઝેબલીયા, PSI જે.એમ. પટેલ અને સ્ટાફ રોકાયેલા હતા.
Read Original Article →