સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર:બપોર બાદ રસ્તાઓ સુમસામ, લોકો ત્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાપમાનનો પારો 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બપોરના સમયે શહેરના રસ્તાઓ અને બજારો સુમસામ ભાસી રહ્યા છે, જાણે કર્ફ્યુ જેવો માહોલ હોય. જિલ્લામાં ગરમીની શરૂઆતથી જ તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં તે 45 ડિગ્રીને પણ વટાવે તેવી શક્યતા છે. ખાસ કરીને રણકાંઠાના ગામો જેવા કે નિમકનગર, નરાળી, કુડા, જેસડા, સતાપર, કોપરણી અને પાટડીના રણકાંઠાના વિસ્તારોમાં ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. સવારના 11 વાગ્યાથી જ રોડ પર આગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આકરી ગરમીના કારણે વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓને બિનજરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ગરમીની અસર માનવજીવનની સાથે પશુ-પક્ષીઓ પર પણ જોવા મળી રહી છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાં, લીંબુ સરબત, શેરડીનો રસ અને જ્યુસ જેવા પીણાંનો સહારો લઈ રહ્યા છે. બપોરના સમયે લોકોની અવરજવર નહિવત્ રહેતા બજારોમાં સન્નાટો છવાઈ જાય છે. તંત્ર દ્વારા પણ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, વધુ પાણી, લીંબુ સરબત અને ORS પીવા, તેમજ ડીહાઇડ્રેશનથી બચવા માટે સુતરાઉ અને શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે તેવા વસ્ત્રો પહેરવાની સલાહ આપવામાં આવી છે. સામાન્ય હીટવેવની અસર જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોક્ટરનો સંપર્ક કરવા પણ તાકીદ કરાઈ છે. આ કાળઝાળ ગરમીમાં સેવાભાવી સંસ્થાઓ પણ મદદે આવી છે. ધ્રાંગધ્રા જૈન જાગૃતિ કેન્દ્ર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આગામી 21 દિવસ સુધી આ સેવા ચાલુ રહેશે, જેમાં દરરોજ અંદાજે 150 લીટર છાશનું વિતરણ કરીને 800 થી 1000 જેટલા લોકોને રાહત પૂરી પાડવામાં આવે છે.
Read Original Article →