સુરેન્દ્રનગરમાં 15 દિવસમાં હીટસ્ટ્રોકના 37 કેસ નોંધાયા:તાપમાન 45.5 ડિગ્રી પહોંચ્યું, આગામી દિવસોમાં ઓરેન્જ એલર્ટ

Gujarat5/14/2026, 10:14:55 AM
સુરેન્દ્રનગરમાં 15 દિવસમાં હીટસ્ટ્રોકના 37 કેસ નોંધાયા:તાપમાન 45.5 ડિગ્રી પહોંચ્યું, આગામી દિવસોમાં ઓરેન્જ એલર્ટ
સુરેન્દ્રનગર જિલ્લામાં આ ઉનાળો અત્યંત આકરો સાબિત થઈ રહ્યો છે. જિલ્લામાં તાપમાનનો પારો 45.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જે સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. છેલ્લા 15 દિવસમાં હીટસ્ટ્રોકના 37 કેસ નોંધાયા છે, જોકે મંગળવાર અને બુધવારે તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો અને બુધવારે મહત્તમ તાપમાન 43.4 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લામાં ગરમીના કારણે હીટસ્ટ્રોકના બનાવો પર નજર રાખવા માટે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. બી.જી. ગોહિલે આદેશો જારી કર્યા છે. આ આદેશો બાદ મળેલી માહિતી મુજબ, છેલ્લા 15 દિવસમાં કુલ 37 હીટસ્ટ્રોકના કેસ ધ્યાને આવ્યા છે. શહેરની મુખ્ય મહાત્મા ગાંધી હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ સર્જન ડો. ચૈતન્ય પરમારના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે 6 બેડની અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં પુરુષ વોર્ડમાં 3 અને મહિલા વોર્ડમાં 3 બેડનો સમાવેશ થાય છે. જોકે, હજુ સુધી કોઈ દર્દીને હીટસ્ટ્રોકને કારણે દાખલ કરવાની જરૂર પડી નથી. હવામાન વિભાગે આગામી બે દિવસ પણ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને ભારે ગરમીની ચેતવણી આપી છે.
Read Original Article →