ધોળીધજા ડેમ કિનારે પૂર મોક ડ્રિલ યોજાઈ:ચોમાસા પહેલાં બચાવ કામગીરી માટે સરકારી વિભાગોનું સંકલન ચકાસાયું

Gujarat6/6/2026, 3:41:56 AM
ધોળીધજા ડેમ કિનારે પૂર મોક ડ્રિલ યોજાઈ:ચોમાસા પહેલાં બચાવ કામગીરી માટે સરકારી વિભાગોનું સંકલન ચકાસાયું
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પૂર જેવી કુદરતી આપત્તિ સમયે વિવિધ સરકારી વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે અને ત્વરિત બચાવ કામગીરી થઈ શકે તે હેતુથી એક વિશેષ ફ્લડ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર કલેકટર અને નિવાસી અધિક કલેકટરના માર્ગદર્શન હેઠળ મૂળી તાલુકાના શેખપર ગામ પાસે, ધોળીધજા ડેમના કિનારે આ મોક ડ્રિલ યોજાઈ હતી. મોક ડ્રિલ દરમિયાન, સાંજે 4:00 કલાકે ધોળીધજા ડેમમાં પાણીનું સ્તર વધતાં શેખપરના નીચાણવાળા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ હોવાનો કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો. મામલતદાર દ્વારા તાત્કાલિક તમામ ઇમરજન્સી સેવાઓને એલર્ટ કરાતાં પોલીસ વિભાગે ઘટનાસ્થળે પહોંચી કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને લોકોને સલામત અંતરે ખસેડવાની કામગીરી સંભાળી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ બોટ અને લાઈફ જેકેટની મદદથી પાણીમાં ફસાયેલા 3 થી 4 લોકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા હતા. જ્યારે ૧૦૮ ઇમરજન્સી ટીમે ઘટનાસ્થળે જ લોકોને પ્રાથમિક સારવાર આપી ગંભીર ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. સાંજે ૦૫:૪૫ કલાકે બચાવ કામગીરી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી અને ઉપસ્થિત અધિકારીઓ દ્વારા મોક ડ્રિલની સમીક્ષા કરવામાં આવી હતી. આ મોક ડ્રિલમાં મૂળીના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર ડિઝાસ્ટર શાખાના અધિકારીઓ, ફાયર ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, શેખપર ગામના સરપંચ, તલાટી મંત્રી અને સ્થાનિક ગ્રામજનોએ સક્રિય ભાગ લીધો હતો. આ મોક ડ્રિલમાં તમામ વિભાગો વચ્ચે ઉત્કૃષ્ટ આંતર-વિભાગીય સંકલન અને ઝડપી રિસ્પોન્સ ટાઈમ જોવા મળ્યો હતો. આ લાઈવ ડેમો દ્વારા સ્થાનિક ગ્રામજનોમાં પણ આપત્તિ વ્યવસ્થાપન અંગે જનજાગૃતિ આવી હતી. પૂર જેવી કુદરતી આપત્તિ સમયે જાનમાલનું નુકસાન ન્યૂનતમ થાય તે માટે મૂળી તાલુકાનું પ્રશાસન અને ઇમરજન્સી સેવાઓ સંપૂર્ણપણે સજ્જ છે તે આ સફળ મોક ડ્રિલ દ્વારા સાબિત થયું છે.
Read Original Article →