સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદની આગાહી:ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ

Gujarat4/8/2026, 12:37:42 PM
સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદની આગાહી:ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
હવામાન વિભાગની આગાહી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. આથી, જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત રાખવા માટે સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે આગાહી અનુસાર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ અને કચ્છ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોને ખાસ તકેદારી રાખવા જણાવાયું છે. કમોસમી વરસાદથી પાકને થતા નુકસાનથી બચવા માટે, ખેડૂતોએ ખેતરમાં કાપણી કરેલો પાક જો ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો. જો આમ કરવું શક્ય ન હોય, તો પાકને પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો જોઈએ.વરસાદનું પાણી પાકના ઢગલાની નીચે ન જાય તે માટે ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો હિતાવહ છે. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો. તેમજ, ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા પણ સૂચના અપાઈ છે.માર્કેટિંગ યાર્ડ (APMC)માં વેચાણ અર્થે લાવવામાં આવતી ખેતપેદાશોને સુરક્ષિત રાખવા માટે વેપારીઓ અને ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે. ખેડૂતોએ શક્ય હોય ત્યાં સુધી આ દિવસો દરમિયાન વેચાણ અર્થે પેદાશો લાવવાનું ટાળવું. જો લાવે તો, જથ્થાને શેડ નીચે કે તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત રાખવો.ખેતી વિષયક વધુ જાણકારી અને માર્ગદર્શન માટે ખેડૂતો ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800 180 1551 પર સંપર્ક કરી શકે છે.
Read Original Article →