ચૂંટણી પ્રચારમાં 10થી વધુ વાહનોના કાફલા પર પ્રતિબંધ:સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જી.એચ. સોલંકીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત ચૂંટણી પ્રચાર દરમિયાન વાહનોના કાફલાની અવરજવર પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. જાહેરનામા મુજબ, કોઈપણ ઉમેદવાર, રાજકીય પક્ષના કાર્યકરો કે અન્ય વ્યક્તિઓ ચૂંટણી પ્રચાર માટે 10થી વધુ વાહનોના કાફલા સાથે ફરી શકશે નહીં. આ નિયમ કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીઓના કાફલાને પણ લાગુ પડશે. જો મંત્રીના કાફલામાં 10થી વધુ વાહનો હોય, તો દસ વાહનો પછી કાફલો તોડીને બે કાફલા વચ્ચે ઓછામાં ઓછું 100 મીટરનું અંતર જાળવવું ફરજિયાત રહેશે. મહાનુભાવોની સુરક્ષા સંબંધિત વિશેષ સૂચનાઓનું પણ પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત, ચૂંટણી અધિકારીની કચેરીની આસપાસના 100 મીટરના વિસ્તારમાં ઉમેદવાર વધુમાં વધુ ત્રણ વાહનો સાથે આવી શકશે. કચેરીની અંદર પ્રવેશ માટે પણ મર્યાદા નક્કી કરાઈ છે, જેમાં ઉમેદવાર સહિત કુલ પાંચ વ્યક્તિઓ જ ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશી શકશે. પાંચથી વધુ વ્યક્તિઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જોકે, ફરજ પરના સરકારી વાહનો, ચૂંટણી કાર્યમાં રોકાયેલા સ્ટાફના વાહનો અને સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરાયેલા વાહનોને આ નિયંત્રણો લાગુ પડશે નહીં. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી, એટલે કે 30 એપ્રિલ, 2026ના 24:00 કલાક સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર અથવા ભંગ કરવામાં મદદ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ શિક્ષાને પાત્ર બનશે.
Read Original Article →