સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: સરકારી વિશ્રામગૃહના ઉપયોગ પર પ્રતિબંધ:જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ જાહેરનામું બહાર પાડ્યું

Gujarat4/4/2026, 11:48:06 AM
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: સરકારી વિશ્રામગૃહના ઉપયોગ પર પ્રતિબંધ:જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ જાહેરનામું બહાર પાડ્યું
રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આગામી એપ્રિલ-૨૦૨૬ દરમિયાન યોજાનારી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે હેતુથી સરકારી મિલકતોના ઉપયોગ પર નિયંત્રણો મૂકે છે. આ જાહેરનામા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આવેલા સરકારી, અર્ધસરકારી આરામગૃહો, ડાકબંગલાઓ, વિશ્રામગૃહો તથા સરકારી રહેણાંકો અને તેની સાથે જોડાયેલા આંગણ કે કમ્પાઉન્ડનો ઉપયોગ કોઈપણ રાજકીય પક્ષના હોદ્દેદારો, ઉમેદવારો કે તેમના ચૂંટણી એજન્ટો રાજકીય હેતુ કે ચૂંટણી પ્રચાર-પ્રસાર માટે કરી શકશે નહીં. આવા સ્થળોએ રાજકીય પક્ષોની પ્રાસંગિક મીટિંગો યોજવા પર તેમજ ચૂંટણી હેતુ માટે ઉપયોગમાં લેવાતા વાહનોના પાર્કિંગ કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વધુમાં, ચૂંટણી પ્રચાર અર્થે આવતા કોઈપણ મહાનુભાવોને મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ કે અતિથિગૃહમાં રૂમ ફાળવવામાં આવશે નહીં. જોકે, જે રાજકીય પદાધિકારીઓને 'Z' કક્ષાની કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હોય, તેમને આ નિયમમાંથી મુક્તિ આપી રૂમ ફાળવી શકાશે, પરંતુ તેઓ રોકાણ દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરી શકશે નહીં. આ જાહેરનામું તા. ૨૮/૪/૨૦૨૬ સુધી અમલી રહેશે અને તેનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ ઉપરાંત, ચૂંટણી પ્રચાર દરમિયાન ખાનગી તેમજ જાહેર મિલકતોના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા બહાર પાડવામાં આવેલા અન્ય એક જાહેરનામા અનુસાર, કોઈપણ પ્રકારની જાહેર મિલકત કે ખાનગી મિલકતનો ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપયોગ કરી શકાશે નહીં. આ જાહેરનામા હેઠળ, કોઈપણ ઉમેદવાર, રાજકીય પક્ષ, સંગઠન કે તેમના કાર્યકરોએ કોઈપણ વ્યક્તિની ખાનગી મિલકત કે મકાન પર તેના માલિકની લેખિત પૂર્વ મંજૂરી વગર ચૂંટણી પ્રચાર માટેના પોસ્ટર ચોંટાડવા, લખાણ લખવું, પ્રતીકો ચીતરવા કે ધ્વજ-પતાકા લગાવવા પર સંપૂર્ણ મનાઈ છે.
Read Original Article →