ટ્રેપ શૂટિંગમાં દસાડાના ખોખર પરિવારનો દબદબો:દાદાથી લઈ પૌત્રી સુધીનાઓએ ડિસ્ટ્રીક્ટથી નેશનલ સ્પર્ધામાં 35થી વધુ મેડલો જીત્યાં; અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ રમવાનું બાળકોનું સપનું

Gujarat5/24/2026, 12:35:00 AM
ટ્રેપ શૂટિંગમાં દસાડાના ખોખર પરિવારનો દબદબો:દાદાથી લઈ પૌત્રી સુધીનાઓએ ડિસ્ટ્રીક્ટથી નેશનલ સ્પર્ધામાં 35થી વધુ મેડલો જીત્યાં; અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ રમવાનું બાળકોનું સપનું
આજે 24 મે "કોમનવેલ્થ દિવસ" છે. ત્યારે સુરેન્દ્રનગરના દસાડાના ખોખર પરિવારે ડિસ્ટ્રીક્ટ, સ્ટેટ અને નેશનલ શૂટિંગ સ્પર્ધામાં અત્યાર સુધીમાં 35 મેડલો જીતી ઇતિહાસ રચ્યો છે. જેમાં પુત્રીએ 12 મેડલ, પુત્રએ 8 મેડલ, પતિએ 12 મેડલ, પત્નીએ 2 મેડલ અને પિતાએ પણ 1 મેડલ મળવી આખું ઘર મેડલોથી ભરી દીધું છે. ગામનું નામ રાષ્ટ્રીય ફલક પર ગુંજતું કરી ઇતિહાસ રચ્યો છે. ત્યારે દિવ્યભાસ્કરની ટીમે આ પરિવારજનો સાથે ખાસ વાતચીત કરી હતી. અમદાવાદમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે ત્યારે ગુજરાતનાં ગામડાઓમાં પણ વિવિધ ક્ષેત્રે નામના મેળવવા ખેલાડીઓ થનગની રહ્યાં છે. ગુજરાતનાં ખૂણેખૂણાના ગામડાઓમાં અનોખી પ્રતિભાઓ ધરોબાયેલી પડી છે. ટ્રેપ શૂટિંગમાં સુરેન્દ્રનગરના ખોબા જેવડા દસાડા ગામના ખોખર પરિવારનો દબદબો જોવા મળી રહ્યો છે. દાદાથી લઈ પૌત્રી સુધીનાઓએ અનેક મેડલો જીત્યા છે. પરિવારમાંથી આઠ લોકો શૂટિંગ સ્પર્ધામાં ભાગ લઈએ છીએ દસાડાના અયુબખાન ખોખરે જણાવ્યું હતું કે, હું વર્ષ 2004થી લઇ અને વર્ષ 2026 સુધી ટ્રેપ શૂટિંગ કોમ્પિટિશનમાં ભાગ લઇ રહ્યો છું. મારી પત્ની મારા પિતા સહિત પરિવારમાંથી સાતથી આઠ લોકો આ ટ્રેપ શૂટિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈએ છીએ. અત્યાર સુધીમાં અમારા આખા પરિવારે 35 જેટલા મેડલો મેળવ્યા છે. મેં પોતે રાજ્ય કક્ષાના ઓછામાં ઓછા 12થી 15, મારી દીકરીએ ઓપન ઇન્ડિયાનો એક, દીકરાએ વેસ્ટ ઝોનનો એક બ્રોન્ઝ મેડલ, દીકરીએ જી.વી.માલવનંકર ટુર્નામેન્ટનો ગોલ્ડ મેડલ અને ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં મારા ફાધર હમિદખાન ખોખરે, ભાઈઓ અને મારી પત્નીએ ગોલ્ડ મેડલ મેળવેલો છે. ‘મારા દીકરા-દીકરીનું દેશમાં નામ રોશન થાય’ વધુમાં જણાવ્યું કે, પેલી કહેવત છે કે, દીકરો કે દીકરી એ આપણા આવનારા વારસદારો છે, એના માટે આપણે જે ભોગ આપવો પડે, એક બાપ તરીકેની જે ફરજ છે, એ હું નિભાવી રહ્યો છું, અને મારા દીકરા-દીકરીનું નામ આગળ રોશન થાય, એની સાથે સાથે દસાડા તાલુકાનું અને ગુજરાત રાજ્યનું નામ રોશન થાય. દીકરા-દીકરીનું ઇન્ડિયન ટીમમાં સિલેક્શન થાય તેમજ કોમનવેલ્થ કે ઓલમ્પિકમાં રમે તેવી અમારી તૈયારી છે. જેથી દેશનું નામ અમે રોશન કરી શકીએ. વધુમાં જણાવ્યું કે, મારા દીકરા-દીકરી ઇન્ડિયાના લોગોથી રમતા હોય તો એનાથી વિશેષ કોઈ ગર્વ ના હોય. વર્ષ 2030માં કોમનવેલ્થ અમદાવાદ ખાતે યોજાશે, એ માટે મારી તૈયારી તો એવી છે કે, દીકરો અને દીકરી હાલ નેશનલ રીનાઉન્ડ શોટ થયેલા છે, હજી કોમનવેલ્થ ગેમને ચારથી પાંચ વર્ષની વાર છે. એ પહેલા હું ટ્રાય કરીશ કે મારા દીકરા અને દીકરીનું ઇન્ડિયન ટીમની ટ્રાયલમાં લઇ જાવ, જે બાદ કોમનવેલ્થની અંદર પણ એ રીપ્રેઝન્ટ થાય અને આગળ રમે એવી મારી ઈચ્છા છે. ‘દરેક ટુર્નામેન્ટમાં ગોલ્ડ કે સિલ્વર મેડલ જીત્યા છે’ આ અંગે અયુબખાનની દીકરી ઝુવેરીયા ખોખરે જણાવ્યું હતું કે, હું અત્યારે કોલેજમાં અભ્યાસ કરું છું, મેં અત્યાર સુધીમાં ડિસ્ટ્રિક્ટમાં, સ્ટેટમાં અને જી.વી.માલવનંકર કે ઓપન ઇન્ડિયા સહીતની દરેક કોમ્પિટિશનમાં ભાગ લીધો છે, દરેક ટુર્નામેન્ટમાં મારે ગોલ્ડ કે સિલ્વર મેડલ તો ચોક્કસપણે હોય જ છે. અત્યાર સુધીમાં મેં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળી 10થી વધુ મેડલો જીત્યા છે અને ભવિષ્યમાં પણ જીતવાની પુરેપુરી ઈચ્છા છે. ‘કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શકીએ એ પ્રમાણેની અમારી પુરેપુરી તૈયારી’ વધુમાં જણાવ્યું કે, આગામી વર્ષ 2030માં અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમમાં અમે હિસ્સો લઈ શકીએ એ પ્રમાણેની અમારી પુરેપુરી તૈયારી છે. અમે ફૂલ તૈયારી કરીશું કે, ઇન્ડિયાને રીપ્રેઝન્ટ કરી શકીએ. મારા કોચ મારા ફાધર જ છે. એ પણ એક નેશનલ શૂટર છે, તેઓ હંમેશા અમને પુરેપુરો સહકાર આપે છે. દરેક ગેમમાં કોઈપણ જગ્યાએ પાછળ જોઈએ તો એ ઉભા જ જોવા મળે છે. મારા પિતા અમને હંમેશા સલાહ આપે છે કે, ક્યારે કયો શોટ લેવો. વધુમાં જણાવ્યું કે, સ્પોર્ટ્સ માટે લોકો કહે છે કે, આ તો ખાલી રમતગમત છે, પણ એક રમતવીરને પુછો તો એમની પણ એક જીંદગી હોય છે. હું દરેકને એવુ જ કહેવા માંગુ છું કે, સ્પોર્ટ્સ તમને એક નવી આઈડેન્ટીટી આપે છે, તમે ક્યાંય જાવ તો લોકો કહે છે કે, મેં તમારા વિશે છાપામાં વાચ્યું છે, એ અમારા માટે એક ગર્વની વાત છે. ‘ભણવાની સાથે કોઈપણ જગ્યાએ હાર ન માનવી જોઈએ’ વધુમાં જણાવ્યું કે, આજની યુવતીઓને કહેવા માંગીશ કે, આપણા પણ કોઈ ડ્રિમ્સ હોઈ શકે છે, અને આપણી પણ કોઈ આઈડેન્ટીટી હોઈ શકે છે, એટલે દરેકે કાંઈકને કાંઈક આગળ કરતા રહેવું જોઈએ અને ભણવાની સાથે કોઈપણ જગ્યાએ હાર ન માનવી જોઈએ. અયુબખાનનો પુત્ર ઝીશાનખાન ખોખરે જણાવ્યું હતું કે, મેં અત્યાર સુધીમાં ડિસ્ટ્રિક્ટ, ગુજરાત સ્ટેટ, નેશનલ અને વેસ્ટ ઝોન શૂટિંગ સ્પર્ધામાં રમ્યો છું, મારી પાસે 5 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ છે. અમે નેશનલ રમ્યા બાદ ઇન્ડિયન ટીમ માટે ટ્રાય કરીએ છીએ, જેથી કોમનવેલ્થ ગેમમાં ભાગ લઇ શકીએ. અમારા કોચ મારા પપ્પા જ છે, એ અમને ખુબ સારી કોચિંગ આપે છે, અમે જે શોટ મીસ કરીએ છીએ, એ અમને બતાવે છે કે, કયો શોટ કઈ જગ્યાએ મારવો, અમે હાલમાં તૈયારીમાં બંદૂક લઇ હોલ્ડ કરીએ છીએ અને લેફ્ટ રાઈટ ફરાવીએ છીએ.
Read Original Article →