વિનોદિનીબેન શાહ સ્મૃતિમાં તાલીમાર્થીઓને શિલ્ડ-પુસ્તક અપાયા:સુરેન્દ્રનગરમાં દ્વિતીય વર્ષ દીક્ષાંત સમારોહમાં શુભેચ્છા પર્વ યોજાયો
સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.એલ. દોશી સ્ત્રી બુનિયાદી અધ્યાપન મંદિરમાં 9 એપ્રિલના રોજ દ્વિતીય વર્ષ તાલીમાર્થી બહેનોનો શુભેચ્છા પર્વ અને દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રેમની પરબના ડાયરેક્ટર ચંદ્રકાંતભાઈ વ્યાસની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ સમારોહમાં પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનો દ્વારા સરસ્વતી વંદના કરતું પ્રાર્થના નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. દ્વિતીય વર્ષના બહેનોએ તેમના બે વર્ષના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા અને વિદાય ગીત રજૂ કર્યું હતું. આ ઉપરાંત, તાલીમાર્થીઓને બે વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. પૂજ્ય વિનોદિનીબેન શાહની પુણ્ય સ્મૃતિમાં તાલીમાર્થીઓને શિલ્ડ અને 'હરિરસ' પુસ્તક પણ અર્પણ કરાયા હતા. આદરણીય ચંદ્રકાંતભાઈ વ્યાસે કર્મયોગ અને નિષ્ઠાપૂર્વકના શિક્ષક જીવન વિશે અનેક દ્રષ્ટાંતો દ્વારા તાલીમાર્થીઓને જીવનભરનું ભાથું પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટી મંડળના પારસભાઈ શાહ, મંત્રી દીપકભાઈ શાહ, આચાર્ય અલકાબેન દેવમુરારી, ડો. સુમિતાબેન મેઢા અને અધ્યાપક ઇન્દુબેન વસાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સર્વે તાલીમાર્થી બહેનોને તેમના ભાવિ શિક્ષક જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
Read Original Article →