સુરેન્દ્રનગરના નાગરિકો હવે તાલુકા મથકેથી કલેક્ટરને રજૂઆત કરી શકશે:વીડિયો કોન્ફરન્સ દ્વારા સીધી રજૂઆત થઈ શકશે, સમય અને શક્તિની બચત થશે

Gujarat6/6/2026, 5:59:19 AM
સુરેન્દ્રનગરના નાગરિકો હવે તાલુકા મથકેથી કલેક્ટરને રજૂઆત કરી શકશે:વીડિયો કોન્ફરન્સ દ્વારા સીધી રજૂઆત થઈ શકશે, સમય અને શક્તિની બચત થશે
સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોની સુખાકારી અને જનહિતના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી પહેલ અંતર્ગત, જિલ્લાના નાગરિકો હવે પોતાના તાલુકા મથકથી જ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે. અગાઉ, જિલ્લાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અરજદારો પોતાના પ્રશ્નો કે રજૂઆતો માટે દર અઠવાડિયાના સોમવાર અને ગુરુવારના રોજ રૂબરૂ કલેક્ટર સમક્ષ સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાએ આવતા હતા. આ પ્રક્રિયામાં નાગરિકોનો ઘણો સમય, શક્તિ અને ઈંધણનો વ્યય થતો હતો. આ સમસ્યાના નિવારણ માટે 'પ્રો-એક્ટિવ ગવર્નન્સ' અંતર્ગત નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. હવેથી નાગરિકોએ પોતાની રજૂઆત માટે જિલ્લા મથકે આવવાના બદલે દર અઠવાડિયાના સોમવાર અને ગુરુવારના રોજ સવારે 11થી 1 કલાક દરમિયાન પોતપોતાના તાલુકાની મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે. આ સમય દરમિયાન કલેક્ટર અને જિલ્લાના અન્ય સંબંધિત અધિકારીઓ જિલ્લા કક્ષાએથી વીડિયો કોન્ફરન્સ મારફતે સીધા જ સંબંધિત મામલતદાર કચેરી સાથે જોડાશે અને અરજદારોની રજૂઆતો સાંભળશે. મામલતદાર કચેરી ખાતે સંબંધિત મામલતદાર તથા પ્રાંત અધિકારી પણ ફરજિયાતપણે અરજદારો સાથે ઉપસ્થિત રહેશે. રજૂ થતા પ્રશ્નો અંગેનું એક અલગ રજિસ્ટર પણ મામલતદાર દ્વારા નિભાવવામાં આવશે, જેથી પ્રશ્નોનું યોગ્ય ફોલો-અપ લઈ શકાય. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રની આ પારદર્શક અને ઝડપી પહેલ ખૂબ જ લોકઉપયોગી સાબિત થશે.
Read Original Article →