વડાપ્રધાનના સફળ કાર્યકાળની સુરેન્દ્રનગરમાં ઉજવણીની તૈયારી:વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક

Gujarat6/9/2026, 11:41:58 AM
વડાપ્રધાનના સફળ કાર્યકાળની સુરેન્દ્રનગરમાં ઉજવણીની તૈયારી:વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં 21 જૂન સુધી વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રગતિપથ યાત્રા, જનકલ્યાણ શિબિર અને વિશ્વ યોગ દિવસનો સમાવેશ થાય છે. આ તમામ કાર્યક્રમોના સુચારુ આયોજન, સંકલન અને પૂર્વતૈયારીના ભાગરૂપે કલેક્ટર જી.એચ.સોલંકીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ઉચ્ચ અધિકારીઓ અને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓ અને કાર્યક્રમોના સફળ અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમોનું યોગ્ય સંકલન થાય અને રાજ્ય સરકારમાં સમયસર રિપોર્ટિંગ થઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક કાર્યક્રમ દીઠ જિલ્લા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. બેઠક દરમિયાન કલેક્ટરે તમામ નોડલ અધિકારીઓને સોંપાયેલી કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. કલેક્ટર જી.એચ.સોલંકીએ આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે 'માઇક્રો મેનેજમેન્ટ' પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને જણાવ્યું હતું કે, આ કાર્યક્રમો માત્ર સરકારી ઔપચારિકતા બની ન રહે, પરંતુ લોકો ખરા અર્થમાં તેમાં જોડાય અને સરકારની સિદ્ધિઓ જન-જન સુધી પહોંચે તે માટે 'મહત્તમ લોકભાગીદારી' સુનિશ્ચિત કરવી જરૂરી છે. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે.કે.જાદવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ.જાલંધરા સહિત વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →