સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ:નાગરિકોના પ્રશ્નો અને વિવિધ વિકાસકાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ

Gujarat5/16/2026, 11:32:47 AM
સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ:નાગરિકોના પ્રશ્નો અને વિવિધ વિકાસકાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના નાગરિકોને સ્પર્શતા પ્રશ્નો અને વિવિધ વિકાસકાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન, ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લોકહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ વઢવાણ-ફૂલગ્રામ રોડ, 66 કે.વી. સબ સ્ટેશન અને સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડની પ્રગતિ સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્ય પી.કે. પરમારે નર્મદા કેનાલનું પાણી, કેનાલના સમારકામ અને લીકેજ, રણ વિસ્તારમાં મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા આરોગ્ય સેવાઓ, જમીન માંગણી, દૂધરેજ-વણા-પાટડી-દસાડા-બેચરાજી રોડ અને જમીન સંપાદન સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત, ધારાસભ્ય શામજી ચૌહાણે 'સૌની યોજના', વાસ્મોની કામગીરી, મુળી તાલુકામાં પીવાના પાણીની વ્યવસ્થા અને ચોટીલા તાલુકામાં 'જી–રામ–જી' અંતર્ગતના કામો અંગે રજૂઆત કરી હતી. ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ 'કેચ ધ રેઈન' અભિયાન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસા પહેલાની પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. કલેક્ટર જી.એચ. સોલંકીએ તમામ રજૂઆતો સંદર્ભે સંબંધિત અધિકારીઓને નિયત સમયગાળામાં સકારાત્મક ઉકેલ લાવવા સૂચના આપી હતી. તેમણે સામાન્ય નાગરિકોની ફરિયાદોનો નિકાલ સર્વોચ્ચ અગ્રતાના ધોરણે અને તાત્કાલિક કરવા તાકીદ કરી હતી. કલેક્ટરે તમામ અમલીકરણ અધિકારીઓને 'પ્રો-એક્ટિવ' અભિગમ અપનાવીને સરકારી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને સ્થાનિક લોકોને કોઈ અસુવિધા ન થાય તેની ખાતરી કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં સાંસદ ચંદુ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →