સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઈ:કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને નાગરિક પ્રશ્નોની ચર્ચા
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના નાગરિકોને સ્પર્શતા પ્રશ્નો અને વિવિધ વિકાસકાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ વઢવાણ-ફૂલગ્રામ રોડ, 66 કે.વી. સબ સ્ટેશન અને સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડની પ્રગતિ સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્ય પી.કે. પરમારે નર્મદા કેનાલનું પાણી, કેનાલ રીપેરીંગ, લીકેજ, રણ વિસ્તારમાં મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા આરોગ્ય સેવાઓ, જમીન માંગણી અને દૂધરેજ-વણા-પાટડી-દસાડા-બેચરાજી રોડ તેમજ જમીન સંપાદન સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે 'સૌની યોજના', વાસ્મોની કામગીરી, મુળી તાલુકામાં પીવાના પાણીની વ્યવસ્થા અને ચોટીલા તાલુકામાં 'જી–રામ–જી' અંતર્ગતના કામો અંગે રજૂઆત કરી હતી. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ 'કેચ ધ રેઈન' અભિયાન હેઠળ ચોમાસા પહેલાની પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. કલેક્ટરે આ તમામ રજૂઆતો સંદર્ભે સંબંધિત અધિકારીઓને નિયત સમયગાળામાં સકારાત્મક ઉકેલ લાવવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી કે, સામાન્ય નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ સર્વોચ્ચ અગ્રતાના ધોરણે અને તાત્કાલિક થવો જોઈએ. તેમણે અધિકારીઓને 'પ્રો-એક્ટિવ' અભિગમ અપનાવીને સરકારી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને સ્થાનિક લોકોને કોઈ અસુવિધા ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →