સુરેન્દ્રનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું સફાઈ અભિયાન:સમર્થકો સાથે નિખિલ ચાંપાનેરીએ જાતે સાવરણી પકડી વોર્ડ સ્વચ્છ કર્યો, પ્લાસ્ટિક મુક્ત શહેરની અપીલ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરીએ પદગ્રહણના બીજા જ દિવસે પોતાના વોર્ડ નંબર 10 (જોરાવરનગર-રતનપર) માં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. 'એક કદમ સ્વચ્છતા કી ઓર' સૂત્રને સાર્થક કરવાના હેતુથી આ પ્રશંસનીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને ભાજપના કાર્યકરો જોડાયા હતા. આ સફાઈ અભિયાનમાં મહાનગરપાલિકાના કારોબારી ચેરમેન અને વોર્ડ નંબર 10 ના સભ્ય નિખિલભાઈ ચાંપાનેરી, સભ્ય ભાવેશભાઈ પ્રજાપતિ અને સોનલબેન દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વોર્ડ નંબર 10 ના પ્રભારી કેતનભાઈ કાલિયા, શહેર ભાજપ મંત્રી ભારતીબેન લખતરિયા, શહેર યુવા ભાજપ પ્રમુખ જયેશભાઈ ભરવાડ, શહેર મંત્રી કિરીટસિંહ પરમાર, કનકસિંહ રાણા, ચિંતન દવે અને હિરેન વાણિયા સહિતના અનેક કાર્યકરોએ પણ યોગદાન આપ્યું હતું. તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ વોર્ડના વિવિધ વિસ્તારોમાં જાતે સાવરણી પકડી સફાઈ કરી કચરાનો નિકાલ કર્યો હતો. આ પહેલ દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સફાઈ ઝુંબેશની સાથે-સાથે સ્થાનિક રહીશો અને વેપારીઓને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. લોકોને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને સ્વચ્છતાને પોતાના રોજિંદા જીવનનો હિસ્સો બનાવવા નમ્ર અપીલ કરવામાં આવી હતી. નેતાઓ અને કાર્યકરોની આ પહેલને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.
Read Original Article →