સુરેન્દ્રનગરમાં હોટલ, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ પર CCTV ફરજિયાત:અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું, 31/05/2026 સુધી અમલ
સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સલામતી અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.આર. પટેલે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત, ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે હોટલ, રેસ્ટોરન્ટ અને પેટ્રોલ પંપ સહિતના વિવિધ સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ફરજિયાત કરાયા છે.જાહેરનામા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લા અને શહેરના તમામ ઢાબા, ટી સ્ટોલ, ખાણી-પીણીના સ્થળો, આંગડિયા પેઢીઓ અને મનોરંજનના સ્થળોએ હાઈ ડેફિનેશન (HD) અને નાઈટ વિઝન સુવિધાવાળા સી.સી.ટી.વી. કેમેરા સ્થાપિત કરવા પડશે. આ કેમેરા સિસ્ટમમાં ઓછામાં ઓછું એક માસનું બેકઅપ જળવાઈ રહે તેવા ડી.વી.આર. (ડિજિટલ વિડીયો રેકોર્ડર) રાખવા પણ ફરજિયાત છે.હોટલ, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ, ટોલપ્લાઝા, શોપિંગ મોલ/કોમ્પ્લેક્સ, હોસ્પિટલ, રેસ્ટહાઉસ, સોનીની દુકાનો, બેંકો અને ધર્મશાળાઓ/મુસાફિરખાના જેવા સ્થળોએ અંદર અને બહાર બંને જગ્યાઓ સંપૂર્ણપણે આવરી લેવાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવાના રહેશે. વધુમાં, એક કેમેરો રોડ પરની અવરજવર અને પ્રવેશ-નિકાસના માર્ગોને સંપૂર્ણપણે આવરી લે તે રીતે સ્થાપિત કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી પડશે. આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 31 મે, 2026 સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા - 2023ની કલમ-223 હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર બનશે.
Read Original Article →