સુરેન્દ્રનગરમાં ₹6.80 કરોડના ખર્ચે CC રોડનું નિર્માણ:જિલ્લા પંચાયતથી આર્ટસ કોલેજ સુધીના રસ્તાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિરીક્ષણ કર્યું
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને આધુનિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા વિકાસકાર્યોને વેગ અપાઈ રહ્યો છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ જિલ્લા પંચાયતથી એમ.પી. શાહ આર્ટસ કોલેજ (રિવરફ્રન્ટ) સુધીના આર.સી.સી. (સીસી) રોડનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આ કામગીરીની ગુણવત્તા અને પ્રગતિની સમીક્ષા કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલ ચાંપાનેરીએ સ્થળ મુલાકાત લીધી હતી. નિખિલ ચાંપાનેરીએ જિલ્લા પંચાયતથી આર્ટસ કોલેજ સુધીના 2800 મીટર લાંબા અને 7.50 મીટર પહોળા રૂટ પર પગપાળા ચાલીને કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. જ્યોતિ ઇન્ફ્રા દ્વારા ₹6.80 કરોડના ખર્ચે આ સીસી રોડનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે એજન્સી અને સંબંધિત અધિકારીઓને ઉચ્ચ ગુણવત્તા અને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે નિખિલ ચાંપાનેરીએ જણાવ્યું હતું કે, "શહેરના વિકાસમાં રસ્તાઓ મહત્ત્વનો ભાગ ભજવે છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત બની રહેલો આ નવો આર.સી.સી. રોડ સ્થાનિકો અને વાહનચાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કામગીરીમાં ગુણવત્તા સાથે કોઈ જ બાંધછોડ કરવામાં આવશે નહીં."
Read Original Article →