સુરેન્દ્રનગર બસ સ્ટેશન પર 'મુસાફર સેવા સેતુ' શરૂ:QR કોડથી મુસાફરો સીધી ફરિયાદ કરી શકશે

Gujarat5/26/2026, 1:01:29 PM
સુરેન્દ્રનગર બસ સ્ટેશન પર 'મુસાફર સેવા સેતુ' શરૂ:QR કોડથી મુસાફરો સીધી ફરિયાદ કરી શકશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા વધારવા અને એસ.ટી. બસ સ્ટેશનોની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે એક આધુનિક ડિજિટલ પહેલ 'મુસાફર સેવા સેતુ' શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત સુરેન્દ્રનગર બસ સ્ટેશન ખાતે ખાસ QR કોડ આધારિત બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેના માધ્યમથી મુસાફરો સીધા જ પોતાની ફરિયાદો તંત્ર સુધી પહોંચાડી શકશે. આ 'મુસાફર સેવા સેતુ' સિસ્ટમ સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ ટેકનોલોજી પર આધારિત છે. મુસાફરોને બસ સ્ટેશનમાં કોઈ પણ સુવિધા સંબંધિત સમસ્યા હોય તો તેઓ સરળતાથી ફરિયાદ નોંધાવી શકે છે. બસ સ્ટેશનની દિવાલો અથવા અગત્યના સ્થળો પર લગાવવામાં આવેલા 'મુસાફર સેવા સેતુ'ના બ્લુ કલરના સાઇનબોર્ડ પર એક વિશિષ્ટ QR કોડ આપવામાં આવ્યો છે. મુસાફરો પોતાના સ્માર્ટફોન કેમેરા અથવા કોઈપણ QR સ્કેનર એપ્લિકેશનથી તેને સ્કેન કરી શકે છે. QR કોડ સ્કેન કરતાની સાથે જ મુસાફરના મોબાઈલમાં એક ઓનલાઈન પોર્ટલ અથવા ફરિયાદ નોંધણી ફોર્મ ખૂલશે. આ ફોર્મમાં મુસાફરે બસ સ્ટેશનમાં મરામત, સફાઈ, પાણી, શૌચાલય અથવા અન્ય કોઈ સુવિધાને લગતી પોતાની ફરિયાદ/સમસ્યાની વિગતો ઓનલાઈન ટાઈપ કરીને સબમિટ કરવાની રહેશે. મુસાફરો દ્વારા નોંધાતી ફરિયાદોના ઝડપી અને સચોટ નિકાલ માટે નિગમ દ્વારા બેક-એન્ડમાં એક ચોક્કસ મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. મુસાફર જેવી ફરિયાદ સબમિટ કરશે, તેવી જ તરત તે સુરેન્દ્રનગર બસ ડેપોના સંબંધિત અધિકારીઓ અને સુપરવાઈઝરના ડિજિટલ ડેશબોર્ડ પર રીઅલ-ટાઇમમાં નોંધાઈ જાય છે. બસ સ્ટેશનની મરામત કે સફાઈને લગતી જે-તે વિભાગની ફરિયાદ (જેમ કે પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ, સફાઈ) સીધી સંબંધિત ટેકનિકલ સ્ટાફ અથવા કોન્ટ્રાક્ટરને ફોરવર્ડ કરવામાં આવે છે. તંત્ર દ્વારા મળેલી ફરિયાદ પર ત્વરિત એક્શન લઈ, બસ સ્ટેશનમાં જે-તે ખામી કે મરામતનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે છે. આ તમામ ફરિયાદોના નિકાલની સ્થિતિ (Status)નું ઓનલાઈન ટ્રેકિંગ થાય છે, જેથી ડેપો મેનેજર કે વિભાગીય નિયામક સીધું જ નિરીક્ષણ કરી શકે કે ફરિયાદનું નિવારણ આવ્યું છે કે નહીં. ડેપો મેનેજર ડી. વી. ચૌધરી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, ડિજિટલ બોર્ડ મૂક્યાને 4 દિવસ થયા છે અને આજ દિવસ સુધી કોઈ ફરિયાદ મળી નથી. સુરેન્દ્રનગર ડેપોને લગતી ફરિયાદો 7 દિવસમાં ઉકેલવામાં આવશે. મોટી ફરિયાદો જે ડિવિઝનને લગતી હોય તે ડિવિઝનમાં મોકલવામાં આવે છે, અને કેન્દ્રીય સ્તરની ફરિયાદો ડિવિઝન દ્વારા કેન્દ્રીય કાર્યાલયમાં મોકલવામાં આવે છે.
Read Original Article →