સુરેન્દ્રનગર ભાજપના 52 ઉમેદવારોએ જનસેવાના શપથ લીધા:મહાનગરપાલિકા ચૂંટણી પ્રચાર પહેલા સંકલ્પ કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચાર પહેલા ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. વઢવાણ હવા મહેલ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાજપના નારાજ આગેવાનો અને કાર્યકરોને સમજાવીને પક્ષમાં પાછા લાવવા અપીલ કરી હતી. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તેઓ ચૂંટણી જીતવા નહીં, પરંતુ માત્ર સોશિયલ મીડિયામાં દેકારો કરીને લોકોને ભરમાવવા આવે છે. વાઘાણીએ દાવો કર્યો હતો કે ચૂંટણી પછી આ પક્ષોના ઉમેદવારો શોધ્યા પણ નહીં મળે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ ૧૩ વોર્ડના ભાજપના ૫૨ ઉમેદવારોને જનસેવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. મંત્રીએ તેમને મતદારોના તમામ પ્રશ્નો હલ કરવા અને ઘર-ઘર સંપર્ક કરીને વિકાસ સહિતના મુદ્દે મત માંગવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપરાંત નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલીયા, શહેર પ્રમુખ દેવાંગ રાવલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →