જોરાવરનગર ભોગાવો નદીપટમાં ભીષણ આગ:ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો, કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહીની માંગ
સુરેન્દ્રનગરના જોરાવરનગર પુલ નજીક ભોગાવો નદીના પટમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગાવો નદીના કિનારે સુકા ઝાંખરા અને કચરાના ઢગલામાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. પુલની બિલકુલ નજીક આગ લાગવાના કારણે જોતજોતામાં પુલ અને આસપાસના રોડ પર સફેદ ધુમાડાના મોટા ગોટેગોટા છવાઈ ગયા હતા. જેના લીધે રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તેમજ વિઝિબિલિટી ઓછી થતાં અકસ્માતનો ભય પણ સર્જાયો હતો. ઘટના અંગે સ્થાનિકો દ્વારા તુરંત ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે જરાય સમય બગાડ્યા વિના વોટર ટેન્કર (GJ-13-AT-4377) સાથે ઘટનાસ્થળે ધસી જઈ પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર જવાનોએ પુલની નીચે ઉતરીને તેમજ રસ્તા પરથી સતત પાણીનો છંટકાવ કરીને આગને આગળ વધતી અટકાવી દીધી હતી અને ટૂંક સમયમાં જ પરિસ્થિતિ પર પૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ વિસ્તારમાં જાહેરમાં કચરો અને સુકા ઝાંખરા સળગાવવાના બનાવો અવારનવાર બનતા રહે છે, જેના કારણે ધુમાડાના ગોટેગોટા ઉડે છે. શહેરીજનો દ્વારા મોટા પ્રમાણમાં કચરો નાખીને આગ લગાડવાના બનાવો સામે તંત્ર દ્વારા આવા વ્યક્તિઓ સામે આકરા પગલાં લેવા જોઈએ તેવી લોક માંગ ઉઠી છે. સમયસર આગ ઓલવાઈ જતાં આસપાસના લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
Read Original Article →