સુરેન્દ્રનગરમાં 11થી 15 જૂન સુધી ‘ભારત 3.0’ પ્રદર્શન:2014થી 2026 સુધીના ઐતિહાસિક સીમાચિહ્નો અને જનકલ્યાણ યોજનાઓ જોવા મળશે

Gujarat6/10/2026, 9:50:18 AM
સુરેન્દ્રનગરમાં 11થી 15 જૂન સુધી ‘ભારત 3.0’ પ્રદર્શન:2014થી 2026 સુધીના ઐતિહાસિક સીમાચિહ્નો અને જનકલ્યાણ યોજનાઓ જોવા મળશે
સુરેન્દ્રનગરમાં આગામી 11 થી 15 જૂન દરમિયાન ‘ભારત 3.0: પરિવર્તનનો દાયકો’ શીર્ષક હેઠળ એક ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પંડિત દિનદયાળ ટાઉન હોલ ખાતે યોજાનારા આ પ્રદર્શનમાં નાગરિકો વર્ષ 2014 થી 2026 સુધીના ઐતિહાસિક સીમાચિહ્નો અને જનકલ્યાણની યોજનાઓની ઝાંખી નિહાળી શકશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રનિર્માણ, સુશાસન અને કુશળ વહીવટના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ વિશેષ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. ‘સંકલ્પથી સિદ્ધિ: નૂતન ભારતની સફર 2014-2026’ થીમ આધારિત આ પ્રદર્શન દ્વારા દેશ અને રાજ્યમાં છેલ્લા એક દાયકાથી વધુ સમયગાળામાં થયેલા અભૂતપૂર્વ વિકાસ કાર્યો અને જનકલ્યાણની યોજનાઓની સફરને લોકો સમક્ષ જીવંત કરવામાં આવશે. પ્રદર્શનમાં 2014 થી 2026 સુધીના મહત્વપૂર્ણ સીમાચિહ્નોને વર્ષવાર સુંદર પેનલો અને પ્રતિકૃતિઓ દ્વારા પ્રદર્શિત કરાશે. જેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY), મેક ઇન ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાવો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ભીમ એપ અને UPI ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ, GST અમલીકરણ, આયુષ્માન ભારત યોજના, જલ જીવન મિશન, આત્મનિર્ભર ભારત અભિયાન તેમજ પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય યોજના જેવી ઐતિહાસિક યોજનાઓની માહિતીપ્રદ પ્રસ્તુતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા, સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ અને ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે દેશની મજબૂત આગેકૂચની ઝાંખી પણ અહીં જોવા મળશે. ઝીણવટભરી માહિતી સાથેની સુંદર પેનલો અને પ્રતિકૃતિઓ આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ બનશે. નાગરિકો સરકારની લોકાભિમુખ યોજનાઓ અને રાષ્ટ્રીય પ્રગતિથી માહિતગાર થઈ શકે તે હેતુથી આ પ્રદર્શન ઝાલાવાડવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ જનતા, યુવાનો અને નાગરિકોને દેશના વિકાસની આ ગૌરવશાળી યાત્રાને નિહાળવા અને રાષ્ટ્રનિર્માણના આ ઉત્સવમાં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Read Original Article →