રોટરી ક્લબ વઢવાણ મેટ્રોએ 250 જરૂરિયાતમંદોને ભોજન કરાવ્યું:'પ્રોજેક્ટ અન્નપૂર્ણા' અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભોજન વિતરણ
રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો દ્વારા સુરેન્દ્રનગરમાં 'પ્રોજેક્ટ અન્નપૂર્ણા' અંતર્ગત ભોજન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આજે અંદાજે 250જેટલા જરૂરિયાતમંદ વ્યક્તિઓને પૌષ્ટિક ભોજન અને ઠંડી છાસનું વિતરણ કરાયું હતું. આ ભોજન વિતરણ એન.ટી.એમ. (NTM) હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં આવેલા રોટરી હોલ ખાતે યોજાયું હતું. ક્લબ દ્વારા દર રવિવારે સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન આ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. ભોજન સેવા કાર્યક્રમના મુખ્ય દાતા માનીત ચિંતન દોશી રહ્યા હતા, જેમના આર્થિક સહયોગથી આ સેવાયજ્ઞ શક્ય બન્યો હતો. પ્રોજેક્ટનું સંચાલન પ્રોજેક્ટ ચેર રોટેરિયન ક્રિપાલસિંહ ઝાલા (ન્યુ જનતા ટ્રાન્સપોર્ટ) દ્વારા કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના સભ્યો લક્ષરાજ સિંહ ઝાલા અને મિતુલ પટેલ હાજર રહ્યા હતા. સંસ્થા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પણ પોતાના અથવા સગા-સંબંધીઓના પરિવારમાં આવતી વિશેષ તિથિ, જન્મદિવસ કે લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ આ પ્રોજેક્ટમાં ભોજન સેવા આપી શકે છે. આગામી રવિવારની તારીખો બુક કરાવવા માટે ક્લબના પ્રતિનિધિઓનો સંપર્ક કરવા વિનંતી છે.
Read Original Article →