સુરેન્દ્રનગરમાં 34 પશુ દવાખાના, 17 સારવાર કેન્દ્રો કાર્યરત:ગત વર્ષે 1.32 લાખથી વધુ પશુઓને વિનામૂલ્યે સારવાર અપાઈ, 1472 પશુપાલકોને ₹73 લાખની સહાય ચૂકવાઈ

Gujarat6/6/2026, 1:00:44 PM
સુરેન્દ્રનગરમાં 34 પશુ દવાખાના, 17 સારવાર કેન્દ્રો કાર્યરત:ગત વર્ષે 1.32 લાખથી વધુ પશુઓને વિનામૂલ્યે સારવાર અપાઈ, 1472 પશુપાલકોને ₹73 લાખની સહાય ચૂકવાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ જોવા મળી રહી છે. હાલ જિલ્લામાં 34 પશુ દવાખાના અને 17 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો પશુઓની સેવામાં કાર્યરત છે. ગત વર્ષે આ કેન્દ્રો દ્વારા 1,32,270 પશુઓને વિનામૂલ્યે સારવાર અને દવાઓ પૂરી પાડવામાં આવી હતી. ગુજરાત સરકાર રાજ્યના પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ અને પશુધનની સુખાકારી માટે સતત કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે સરાહનીય પ્રગતિ થઈ છે. મહેસૂલ વિભાગના હકારાત્મક અભિગમથી પશુ ચિકિત્સા કેન્દ્રો માટે જમીન ફાળવણી ઝડપી બની છે. રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે જિલ્લા માટે નવીન પશુ દવાખાના મંજૂર કરવામાં આવ્યા છે અને પ્રવર્તમાન કેન્દ્રોને અપગ્રેડ કરાયા છે. આ નવીન અને અપગ્રેડ થયેલા પશુ દવાખાના તેમજ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોના પોતાના ભવનના નિર્માણ માટે પ્રત્યેક સંસ્થા દીઠ આશરે 600 ચોરસ મીટર જમીન ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દરેક તાલુકા પશુ ચિકિત્સા અધિકારીને મહેસૂલ વિભાગ સાથે સંકલન સાધીને જમીન મેળવવા સૂચનાઓ અપાઈ છે. પશુપાલન વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓ હેઠળ જિલ્લાના 1472 પશુપાલકોને કુલ રૂ. 73 લાખની સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરની પશુપાલન શાખાના નાયબ પશુપાલન નિયામક ડૉ. ભાવિક પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ તાલુકાઓમાં પશુ દવાખાનાઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે, જે પશુપાલકો માટે લાભદાયી સાબિત થઈ રહ્યા છે. પશુઓને તબીબી સારવાર આપવાની સાથે-સાથે પશુપાલકોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે પણ જિલ્લા પંચાયત પશુપાલન ખાતા દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પશુપાલન વિભાગ દ્વારા ચલાવવામાં આવતી જુદી-જુદી સહાયકારી યોજનાઓ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજે 1472 જેટલા પ્રગતિશીલ પશુપાલકોને કુલ રૂ. 73 લાખની માતબર સહાય સીધી તેમના ખાતામાં ચૂકવવામાં આવી છે. આ આર્થિક સહાયના કારણે જિલ્લાના પશુપાલકો સ્વનિર્ભર બન્યા છે અને પશુપાલન વ્યવસાયને વધુ વેગ મળ્યો છે. આમ, રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ અને પશુપાલન વિભાગના આ સંયુક્ત અને પ્રજાલક્ષી પ્રયાસોના પરિણામે સુરેન્દ્રનગર જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે એક નવો આયામ સ્થાપિત થયો છે.
Read Original Article →