સુરેન્દ્રનગરમાં GSPC અંતર્ગત આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ:બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને સ્વચ્છ, સુરક્ષિત વાતાવરણ મળશે

Gujarat6/4/2026, 12:15:10 PM
સુરેન્દ્રનગરમાં GSPC અંતર્ગત આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ:બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને સ્વચ્છ, સુરક્ષિત વાતાવરણ મળશે
સુરેન્દ્રનગર જિલ્લામાં બાળ વિકાસ અને પોષણ સેવાઓને વધુ સઘન બનાવવા GSPC અંતર્ગત આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણ અને અપગ્રેડેશનની કામગીરી શરૂ કરાઈ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને સુરક્ષિત, સ્વચ્છ અને આનંદદાયક વાતાવરણ પૂરું પાડવાનો છે. આ નવીનીકરણથી બાળકોને પ્રાથમિક શિક્ષણ માટે ઉત્તમ શૈક્ષણિક માહોલ મળશે અને બાળ વિકાસની સેવાઓ વધુ ગુણવત્તાસભર બનશે. જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં મકાનની મજબૂતાઈ અને સુરક્ષા વધારવા માટે બાંધકામ અને નવીનીકરણની કામગીરી તબક્કાવાર ચાલી રહી છે. આ કામગીરીમાં નવું ફ્લોરિંગ, દિવ્યાંગો માટે રેમ્પ, પાણી-વીજળીની સુવિધા, આકર્ષક રંગરોગાન અને બાળકોને અનુકૂળ માળખાકીય વિકાસનો સમાવેશ થાય છે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ કામગીરીની નિયમિત સમીક્ષા કરી ગુણવત્તા અને સમયમર્યાદા જાળવવા સૂચનાઓ અપાઈ રહી છે. આ ઉપરાંત, બાળ વિકાસ સેવાઓને વધુ સઘન બનાવવાના ભાગરૂપે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લેવામાં આવી રહી છે. આ મુલાકાતો દરમિયાન બાળકોના ગ્રોથ મોનિટરિંગ, વજન-ઊંચાઈ માપન અને રેકોર્ડનું ક્રોસ વેરિફિકેશન કરીને પોષણ સ્તરની સઘન સમીક્ષા કરવામાં આવે છે. તાજેતરમાં, સુરેન્દ્રનગર-20 આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત દરમિયાન, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે બાળકોના ગ્રોથ મોનિટરિંગ અંતર્ગત વજન અને ઊંચાઈ માપનની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વજન-ઊંચાઈ સંબંધિત નોંધપોથી અને રેકોર્ડનું સ્થળ પર જ ક્રોસ વેરિફિકેશન કરીને માહિતીની ચોકસાઈની ખાતરી કરી હતી. અધિકારીએ બાળકોના પોષણ સ્તર, આરોગ્યની સ્થિતિ અને શારીરિક વિકાસની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ મુલાકાત દરમિયાન, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે આંગણવાડી કાર્યકર અને સહાયક બહેનો સાથે ચર્ચા કરી. તેમણે પૂરક પોષણ આહાર, પૂર્વ-પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ નિયમિત અને અસરકારક રીતે થાય તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું. બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના બાળકો સુધી પહોંચે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
Read Original Article →