સુરેન્દ્રનગરમાં આફ્રિકન સ્વાઇન ફીવરથી ભૂંડના મોત:પશુ ચિકિત્સક ડો. અશોક રાઠોડે જણાવ્યું કે, આફ્રિકન સ્વાઇન ફીવર ફક્ત ભૂંડ પ્રાણીઓને જ અસર કરે છે તે માણસો માટે જોખમી નથી
સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂંડના ભેદી મોતનો સિલસિલો ચાલુ હતો. અમદાવાદથી આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આફ્રિકન સ્વાઇન ફીવર વાયરસને કારણે ભૂંડના મોત થયા હોવાનો ખુલાસો થયો છે. છેલ્લા દસ દિવસમાં 700થી વધુ ભૂંડના મોત નોંધાયા હતા, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી હતી. ભૂંડના મોતનો આંકડો વધતા પશુપાલન વિભાગને જાણ કરવામાં આવી હતી. પશુ ડોકટરોની ટીમે મૃતદેહોના પોસ્ટમોર્ટમ કર્યા હતા, પરંતુ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ ન થતાં સેમ્પલ અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. અમદાવાદના રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે ભૂંડના મોત આફ્રિકન સ્વાઇન ફીવર નામના વાયરલ રોગને કારણે થયા છે. આ રોગ વાયરસથી ફેલાય છે અને તેની કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી, જેના પરિણામે સંક્રમિત પશુઓ મૃત્યુ પામે છે. વાયરસનો વધુ ફેલાવો અટકાવવા માટે તાત્કાલિક તકેદારીના પગલાં લેવાની સૂચના અપાઈ છે. મૃત ભૂંડના નિકાલ માટે 6 ફૂટ ઊંડા ખાડામાં ચૂનો અને બ્લીચિંગ પાવડર નાખીને દફનાવવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત, ભૂંડ પકડવા અને તેની હેરફેર પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર મનપા દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પશુ ચિકિત્સક ડો. અશોક રાઠોડે જણાવ્યું હતું કે, આફ્રિકન સ્વાઇન ફીવર ફક્ત ભૂંડ પ્રાણીઓને જ અસર કરે છે અને તે માણસો માટે જોખમી નથી. તેમણે ઉમેર્યું કે આ બીમારીની કોઈ રસી કે સારવાર ન હોવાથી, રોગ અન્ય ભૂંડમાં ન ફેલાય તે માટે મૃત પશુઓના તાત્કાલિક અને સુરક્ષિત નિકાલ માટે પાલિકાને સૂચનાઓ આપવામાં આવી છે.
Read Original Article →