સુરેન્દ્રનગરમાં 42 હજાર એકરમાં પ્રાકૃતિક ખેતી:કલેક્ટરે કૃષિ સખી, CRP દ્વારા તાલીમ આપવા તાકીદ કરી

Gujarat5/20/2026, 10:54:13 AM
સુરેન્દ્રનગરમાં 42 હજાર એકરમાં પ્રાકૃતિક ખેતી:કલેક્ટરે કૃષિ સખી, CRP દ્વારા તાલીમ આપવા તાકીદ કરી
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પ્રાકૃતિક કૃષિની કામગીરીની પ્રગતિ અંગે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રના પ્રયોગો થકી આગળ વધી રહેલી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના વિવિધ પાસાઓ અને જિલ્લામાં તેના અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થયેલી કામગીરીની વિગતો આપતાં ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે ખેડૂતોનો ઝુકાવ સતત વધી રહ્યો છે. હાલમાં જિલ્લાના અંદાજિત 40,000 જેટલા ખેડૂતો લગભગ 42,000 એકર જેટલા વિશાળ વિસ્તારમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ જિલ્લામાં ત્રણ ગ્રામ પંચાયતના ક્લસ્ટર આધારિત થઈ રહેલી કામગીરીની માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, હાલનો સમય ખેડૂતો માટે નવા પાકના આયોજનનો છે. આ તકનો લાભ લઈ ગામે-ગામ અનુભવી ‘કૃષિ સખી’ અને ‘સીઆરપી’ (કમ્યુનિટી રિસોર્સ પર્સન) દ્વારા ખેડૂતોને અસરકારક તાલીમ પૂરી પાડવામાં આવે. કલેક્ટરે વધુમાં તાકીદ કરી હતી કે, ખેડૂતોને ખેતી માટે જરૂરી બાયો-ઇનપુટ્સ સરળતાથી ઉપલબ્ધ થાય અને તેઓ પ્રાકૃતિક કૃષિના સફળ મોડેલ ફાર્મની રૂબરૂ મુલાકાત લઈને માહિતી મેળવે તેવું સુદ્રઢ આયોજન કરવું. તેમણે સૂચવ્યું કે ખેતીવાડી વિભાગનો વિસ્તરણ સ્ટાફ, જે રાસાયણિક ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ અંગે તાલીમ આપી રહ્યો છે, તે પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સાચી જાણકારી આપે અને તેના સફળ પ્રયોગો પ્રદર્શિત કરે. જિલ્લામાં વધુમાં વધુ વિસ્તારમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તેમના ઉત્પાદનોની યોગ્ય માર્કેટિંગ વ્યવસ્થાને પણ પ્રાધાન્ય આપવું જરૂરી છે. કલેક્ટરે રાસાયણિક ખાતરોનો બગાડ અટકાવવા અને પ્રાકૃતિક ખેતી અંગે વધુમાં વધુ ખેડૂતોમાં પ્રચાર-પ્રસાર થાય તેવું સૂચન કર્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કે. આર. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, જિલ્લા રજિસ્ટ્રાર કોમલ ચૌધરી સહિત ‘આત્મા’ પ્રોજેક્ટ, પ્રાકૃતિક બોર્ડ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન અને સહકાર જેવા કૃષિ સંલગ્ન વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →