સુપ્રીમ કોર્ટ દ્વારા 'સમાધાન સમારોહ' લોક અદાલત:પડતર કેસોના નિકાલ માટે પક્ષકારોને 31 મે સુધીમાં નોંધણી, 21 ઓગસ્ટ સુધી ચાલશે
ભારતની ન્યાય પ્રણાલીને વધુ વ્યાપક બનાવવાના ઉદ્દેશ્યથી સુપ્રીમ કોર્ટ દ્વારા 'સમાધાન સમારોહ-2026' વિશેષ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ 21, 22 અને 23 ઓગસ્ટ સુધી ચાલશે, જેનું સમાપન સુપ્રીમ કોર્ટ પરિસરમાં યોજાનારી વિશેષ લોક અદાલત સાથે થશે. આ આયોજનનો મુખ્ય હેતુ પક્ષકારો વચ્ચે પરસ્પર સંમતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં લાંબા સમયથી ચાલતા વિવાદોનું કાયમી નિરાકરણ લાવવાનો છે. પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં રૂબરૂ હાજર રહીને અથવા ઓનલાઈન (વર્ચ્યુઅલ) માધ્યમથી જોડાઈને પણ પોતાના કેસોનું સમાધાન કરી શકશે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ, સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડતર કેસો ધરાવતા પક્ષકારો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. આ માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના મધ્યસ્થીકરણ કેન્દ્ર ખાતે 'પ્રિ-લોક અદાલત કન્સીલીએશન' બેઠકોનું આયોજન કરાશે, જેમાં પક્ષકારો પૂર્વ-સમાધાન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. આ વિશેષ લોક અદાલતમાં ભાગ લેવા ઈચ્છતા પક્ષકારો અથવા તેમના વકીલોએ 31 મે સુધીમાં ફોર્મ ભરીને પોતાની નોંધણી કરાવવી ફરજિયાત છે. વધુ માહિતી કે ટેકનિકલ સહાય માટે પક્ષકારો સુપ્રીમ કોર્ટના હેલ્પલાઈન નંબર 011-23112428 અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરેન્દ્રનગરની કચેરીનો સંપર્ક કરી શકે છે. સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ દ્વારા તમામ હિતધારકો અને અરજદારોને આ તકનો મહત્તમ લાભ લઈ વર્ષો જૂના કાયદાકીય વિવાદોમાંથી મુક્તિ મેળવવા જાહેર અપીલ કરવામાં આવી છે.
Read Original Article →