શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ચામડી રોગનો કેમ્પ:240 દર્દીઓએ લાભ લીધો, બે જટિલ કેસનું નિદાન

Gujarat6/6/2026, 11:49:13 AM
શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ચામડી રોગનો કેમ્પ:240 દર્દીઓએ લાભ લીધો, બે જટિલ કેસનું નિદાન
સુરેન્દ્રનગરમાં શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ ખાતે ચામડીના રોગના દર્દીઓ માટે વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 240 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં બે જટિલ કેસનું સચોટ નિદાન કરવામાં આવ્યું હતું. ઉનાળાની ગરમીમાં ત્વચા સંબંધિત સમસ્યાઓમાં વધારો થતો હોય છે, જેમાં ધાધર, એળિયો, ખીલ, ચામડી પરના ડાઘ અને ઇન્ફેક્શનના કેસો સામાન્ય છે. આ સમસ્યાઓથી પીડાતા લોકોને રાહત આપવાના ઉદ્દેશ્યથી આ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ, સી. યુ. શાહ મેડિકલ કોલેજ ખાતે યોજાયેલા આ કેમ્પમાં ચામડી વિભાગના નિષ્ણાત તબીબો ડૉ. નેહલ પંડયા, ડૉ. ઋત્વી પંડયા અને ડૉ. અનુજ ભટ્ટ દ્વારા દર્દીઓની નિ:શુલ્ક તપાસ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. નાના બાળકોથી લઈને 80 વર્ષથી વધુ વયના વયસ્કોએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન તબીબોની ગહન તપાસને કારણે બે અત્યંત જટિલ કેસ સામે આવ્યા હતા. એક 4 વર્ષની દીકરીમાં વિશિષ્ટ પ્રકારની ઉંદરી (Ophiasis Alopecia areata) નું નિદાન થયું હતું, જ્યારે એક 80 વર્ષના વડીલમાં ભારતીય લોકોમાં ભાગ્યે જ જોવા મળતું સ્કીન કેન્સર (Basal cell carcinoma) શોધી કાઢી તેમને યોગ્ય સારવારની દિશા બતાવવામાં આવી હતી. આ કેમ્પમાં આવેલા તમામ દર્દીઓ માટે રૂટીન લોહીની તપાસ તદ્દન મફત કરવામાં આવી હતી. સ્પેશિયલ લોહીની તપાસો અને જરૂરી દવાઓ અત્યંત રાહત દરે ઉપલબ્ધ કરાવાઈ હતી. હોસ્પિટલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લામાં એકમાત્ર અત્યાધુનિક UV ચેમ્બર (Ultraviolet Chamber) ઉપલબ્ધ છે, જે સફેદ ડાઘની વિશેષ સારવાર માટે ઉપયોગી છે. સમગ્ર સેવાયજ્ઞ દરમિયાન હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેશન્ટ કેર કો-ઓર્ડીનેટર્સ અને અન્ય સહાયક સ્ટાફે સેવા આપી કેમ્પને સફળ બનાવ્યો હતો. આ સેવાયજ્ઞ દ્વારા ગ્રામ્ય અને આસપાસના અંતરિયાળ વિસ્તારોના દર્દીઓને ઘરઆંગણે ગુણવત્તાસભર અને નિષ્ણાત આરોગ્યસેવાનો લાભ પ્રાપ્ત થયો હતો.
Read Original Article →