ભાસ્કર ફર્સ્ટ પર્સન:શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલો અન્યથા આગામી સમયમાં રણનીતિ ઘડાશે : શૈક્ષણિક મહાસંઘ
જૂન-2026થી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે શિક્ષકોના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સંગઠન દ્વારા પત્ર પાઠવીને ચીમકી આપવામાં આવી છે કે જો નવું સત્ર શરૂ થાય તે પહેલાં પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો નાછૂટકે મહાસંઘની કોર ટીમ દ્વારા શિક્ષણ હિતમાં આગામી રણનીતિ ઘડવાની ફરજ પડશે. સંગઠનના પ્રદેશ અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ અને મહામંત્રી પરેશકુમાર પટેલની સહી સાથે મુખ્યમંત્રીને રજૂઆત પત્ર મોકલાયો હતો. જેનો મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. આ પત્રમાં મુખ્ય શિક્ષક એચટાટ, પ્રાથમિક સરકારી, મુખ્ય શિક્ષક, પ્રાથમિક ગ્રાન્ટેડ, ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય અને શિક્ષણ સેવા વર્ગ-2 સહિતના તમામ 9 સંવર્ગોના પડતર પ્રશ્નો તેમજ વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા આગ્રહ કરવામાં આવ્યો છે. જો હકારાત્મક વલણ નહીં અપનાવાય તો આંદોલન કરાશે
રાજ્ય કારોબારીની બેઠકોમાં અવારનવાર રજૂઆતો થવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. આથી નવું સત્ર શરૂ થાય તે પહેલાં સંગઠન સાથે આખરી નિર્ણય થાય તેવી બેઠક યોજવા માટે માંગ કરાઈ છે. જો કોઈ હકારાત્મક વલણ નહીં અપનાવે તો શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. - ભરતસિંહ ચાવડા, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ આ મુખ્ય બાબતો પર ભાર મૂકાયો
- ભૂતકાળમાં થયેલા આંદોલનો અને રજૂઆતો સંદર્ભે કેટલીક બાબતોમાં નીતિગત નિર્ણયો લેવાયા હોવા છતાં અથવા જીઆર થયા હોવા છતાં પ્રશ્નોનો ઉકેલ લવાતો નથી. - જૂન-2026થી શરૂ થતા સત્ર પૂર્વે વિદ્યાર્થીલક્ષી નિર્ણયો, ક્રમાનુસાર કાયમી ભરતી, જ્ઞાન સહાયકના ઠરાવમાં સુધારો અને શિક્ષકોના મહત્વના પ્રશ્નો અંગે ઝડપથી નિર્ણય કરી જાહેરાત કરાય તેવી માંગ છે. - ગત આંદોલન વખતે થયેલા સમાધાન અનુસાર જૂની પેન્શન યોજનામાં સમાવવા અનેક નિવૃત્ત કર્મીઓને આજદિન સુધી પેન્શન મળતું નથી. ઘણા શિક્ષકો-કર્મચારીઓને હજુ સુધી આ યો જનામાં સમાવાયા નથી.
Read Original Article →