વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો:રતનપરના દર્શન ઝીડીયા ઉડા પાણીમાં ગરકાવ યુવકનું મોત, બે બહેનોએ એકનો એક ભાઈ મોતને ભેટ્યો

Gujarat5/23/2026, 9:50:58 AM
વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો:રતનપરના દર્શન ઝીડીયા ઉડા પાણીમાં ગરકાવ યુવકનું મોત, બે બહેનોએ એકનો એક ભાઈ મોતને ભેટ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીથી બચવા જળાશયોમાં ન્હાવા પડતા યુવાનોના ડૂબી જવાથી મોત થવાના બનાવો વધી રહ્યા છે. આવા જ એક બનાવમાં રતનપર વિસ્તારના 18 વર્ષીય દર્શન ઝીડીયાનું ધોળીધજા ડેમમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રતનપર ઢોરા નજીક રામાપીરના મંદિર પાસે રહેતા ચંદુભાઈ ઝીડીયાનો પુત્ર દર્શન ઝીડીયા તેના બે મિત્રો સાથે ગરમીથી રાહત મેળવવા ધોળીધજા ડેમમાં ન્હાવા ગયો હતો. ન્હાતી વખતે દર્શન ઊંડી ખાઈમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર અને તરવૈયાઓની ટીમે શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ દર્શનનો મૃતદેહ ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે ઝીડીયા પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો છે. દર્શન તેની બે બહેનોનો એકમાત્ર ભાઈ હતો. એકના એક પુત્રના નિધનથી માતા-પિતા અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં જ ખાણમાં ન્હાવા પડેલા ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક યુવાનના ડૂબી જવાથી મોતની ઘટના સામે આવતા વાલીઓ માટે આ ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. વડીલોને પોતાના બાળકોને આવા ઊંડા પાણી ભરેલા જળાશયો કે ડેમમાં ન્હાવા જવાથી રોકવા અપીલ કરવામાં આવી રહી છે. લોકો દ્વારા તંત્ર સમક્ષ ડેમ, તળાવ, જળાશય અને ખાણોની આસપાસ સુરક્ષા ગાર્ડ ગોઠવી ન્હાવા પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ ઉઠી છે.
Read Original Article →