GPPL-2 ક્રિકેટ ટૂર્નામેન્ટ સંપન્ન, 'રિધમ ટીમ' ચેમ્પિયન બની:રતનપર ખાતે પ્રજાપતિ યુથ ફાઉન્ડેશન દ્વારા ફાઇનલ મેચ રમાઈ
પ્રજાપતિ યુથ ફાઉન્ડેશન (PYF) દ્વારા રતનપરના રમત ગમત મેદાન ખાતે આયોજિત GPPL-2 (પ્રજાપતિ પ્રીમિયર લીગ) ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ સંપન્ન થઈ છે. આ રોમાંચક મુકાબલામાં 'રિધમ ટીમ' ચેમ્પિયન બની હતી. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ રોહિતભાઈ પ્રજાપતિની 'રિધમ ટીમ' અને જયદીપભાઈ પ્રજાપતિની 'વિજય આનંદ ચેલેન્જર્સ' ટીમ વચ્ચે રમાઈ હતી. કાંટાની ટક્કર બાદ, 'રિધમ ટીમ' 98 રન અને 8 વિકેટથી વિજયી બની ટ્રોફી પોતાના નામે કરી. 'વિજય આનંદ ચેલેન્જર્સ' ટીમે રનર્સ-અપનું સ્થાન મેળવ્યું. મેચ પૂર્ણ થયા બાદ, વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે વિજેતા અને રનર્સ-અપ ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. વિજેતા અને રનર્સ-અપ ટીમના તમામ ખેલાડીઓને ટ્રોફી અને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. પ્રજાપતિ યુથ ફાઉન્ડેશન (PYF) દ્વારા કરવામાં આવેલા આ સુવ્યવસ્થિત અને સફળ આયોજનને સમાજના અગ્રણીઓ અને રમતપ્રેમીઓએ ખૂબ બિરદાવ્યું છે. ભાવેશભાઈ પ્રજાપતિ અને કમિટી મેમ્બર્સ સહિત ત્રિદિવસીય મેચના તમામ કાર્યકર્તાઓને તેમની મહેનત બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં યુવા ખેલાડીઓએ અદભુત રમતનું પ્રદર્શન કર્યું હતું અને સમગ્ર પ્રજાપતિ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સફળ આયોજને સમાજના યુવાનોમાં એકતા અને ખેલદિલીની ભાવના વધુ મજબૂત કરી છે.
Read Original Article →