ડિજિટલ પહેલ:સ્વચ્છતા અને મરામતની ઓનલાઇન ફરિયાદ માટે 5 સ્થળે ક્યુઆર કોડના બોર્ડ લગાવાયા
સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય એસટી બસ સ્ટેશન ખાતે મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે એસટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ ડિજિટલ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ડેપો ખાતે પ્રાથમિક સુવિધાઓની જાળવણી અને પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે તંત્ર દ્વારા મુસાફર સેવા સેતુ અભિયાન અંતર્ગત ખાસ ક્યુઆર કોડ (QR Code) બોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર બસ સ્ટેશન પરથી રોજની અંદાજે 14,000થી વધુ મુસાફરોની અવરજવર રહે છે. આટલી મોટી સંખ્યામાં આવતા લોકોને પીવાનું પાણી, શૌચાલયની સફાઈ કે બેઠક વ્યવસ્થા જેવી બાબતોમાં કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર એક્શનમાં આવ્યું છે. હવે કોઈપણ મુસાફર ડેપોમાં ગંદકી કે કોઈ પણ વસ્તુના મરામત (રિપેરિંગ) અંગે સીધી ઓનલાઈન ફરિયાદ કરી શકશે. મુસાફરોની સરળતા માટે એસટી પ્રશાસન દ્વારા બસ સ્ટેશનના અલગ-અલગ પાંચ મુખ્ય સ્થળો પર આ વાદળી રંગના માહિતીપ્રદ ક્યુઆર કોડ બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ બોર્ડ પર સ્પષ્ટ લખ્યું છે કે, બસ સ્ટેશનમાં મરામતને લગતી ફરિયાદો ક્યુઆર કોડ સ્કેન કરી રજીસ્ટર કરવા વિનંતી છે. કોડ સ્કેન કરતા લિંક પર ફરિયાદ લખવી
સ્કેન: મુસાફરે પોતાના મોબાઈલ કેમેરા કે સ્કેનરથી બોર્ડ પરનો QR કોડ સ્કેન કરવાનો રહેશે. વિગત : સ્કેન કરતા જ ખુલનારી લિંક પર પોતાની ફરિયાદ કે સુવિધાનો અભાવ દર્શાવતી વિગત લખવી. સબમિટ : વિગતો સબમિટ કરતા જ ફરિયાદ સીધી જવાબદાર અધિકારીઓ સુધી પહોંચી જશે. પ્રથમ દિવસે 22 લોકોએ ઉપયોગ કર્યો
ડેપોમાં સ્વચ્છતા સહિતની બાબતે ક્યુઆર કોડની વ્યવસ્થા કરાઇ છે. જેમાં પ્રથમ દિવસે 22 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. 9થી 10 લોકોનો તંત્રે રિવ્યુ કર્યો હતો. - ડી.વી.ચૌધરી, ડેપો મેનેજર, સુરેન્દ્રનગર
Read Original Article →