PM-કિસાન યોજના, 30 જૂન સુધીમાં e-KYC ફરજિયાત:નહીં કરનાર ખેડૂતોને આગામી હપ્તો નહીં મળે
ભારત સરકારની 'પીએમ કિસાન સન્માન નિધિ યોજના'ના લાભાર્થી ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. યોજનાનો આગામી હપ્તો મેળવવા માટે તમામ લાભાર્થીઓએ 30 જૂન, 2026 સુધીમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. જે ખેડૂતો આ સમયમર્યાદામાં ઇ-કેવાયસી નહીં કરાવે, તેમને ચાલુ વર્ષ 2026-27ના પ્રથમ હપ્તાની સહાય મળી શકશે નહીં. ખેડૂતો ઇ-કેવાયસી પૂર્ણ કરવા માટે ત્રણ સરળ પદ્ધતિઓ અપનાવી શકે છે. આ પદ્ધતિઓમાં પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન, કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ઇ-ગ્રામ કેન્દ્રની મુલાકાત, અને ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરવાનો સમાવેશ થાય છે. પ્રથમ પદ્ધતિ અંતર્ગત, લાભાર્થીઓ પોતાના સ્માર્ટફોનમાં 'PM-Kisan Mobile App' ડાઉનલોડ કરી શકે છે. એપમાં લોગિન કરીને 'Beneficiary' વિકલ્પ પસંદ કર્યા બાદ, પોતાના કાર્ડ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબરની મદદથી 'ફેસ ઓથેન્ટિકેશન' દ્વારા ઇ-કેવાયસી જાતે કરી શકાય છે. આ એપ દ્વારા એક લાભાર્થી અન્ય 100 ખેડૂતોનું પણ ઇ-કેવાયસી કરવામાં મદદ કરી શકે છે. જે ખેડૂતો પાસે સ્માર્ટફોન નથી, તેઓ નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગામના 'ઇ-ગ્રામ કેન્દ્ર' (પંચાયત ઘર) ખાતે જઈ શકે છે. ત્યાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (અંગૂઠા કે આંગળીના નિશાન) દ્વારા ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. વૈકલ્પિક રીતે, ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસર પણ ખેડૂતોને ઇ-કેવાયસી પ્રક્રિયામાં મદદ કરશે. તેઓ પીએમ કિસાન મોબાઈલ એપના માધ્યમથી ખેડૂતોના ફેસ ઓથેન્ટિકેશન દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરાવી શકે છે. પીએમ કિસાન યોજનાનો લાભ અટક્યા વિના સતત મળતો રહે તે સુનિશ્ચિત કરવા માટે, સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા તમામ લાભાર્થી ખેડૂતોને 30 જૂન, 2026 પહેલાં આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરી લેવા જણાવાયું છે.
Read Original Article →