પાટડીમાં પેટ્રોલ-ડીઝલની અછત, વાહનોની લાંબી કતારો લાગી:મીઠા ઉત્પાદન પર અસર, મામલતદારે પંપ માલિકો સાથે બેઠક યોજી

Gujarat5/21/2026, 2:20:02 PM
પાટડીમાં પેટ્રોલ-ડીઝલની અછત, વાહનોની લાંબી કતારો લાગી:મીઠા ઉત્પાદન પર અસર, મામલતદારે પંપ માલિકો સાથે બેઠક યોજી
પાટડી પંથકમાં પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોડી રાતથી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પાટડી મામલતદારે પેટ્રોલ પંપ માલિકો સાથે બેઠક યોજી હતી. ડીઝલની અછતને કારણે કચ્છના નાના રણમાં મીઠાના ઉત્પાદન અને પરિવહન પર ગંભીર અસર પડી છે. હાલમાં મીઠું ખેંચવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ડીઝલ વગર ટ્રકો સહિતના સાધનો અટવાઈ પડ્યા છે. આશરે 3 લાખ મેટ્રિક ટન મીઠાના પરિવહન પર સંકટ તોળાઈ રહ્યું છે. ભારતના કુલ મીઠા ઉત્પાદનનો 76% હિસ્સો ગુજરાતમાં થાય છે, જેમાંથી 35% મીઠું એકમાત્ર કચ્છના નાના રણમાં ઉત્પન્ન થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને ઝીંઝુવાડામાં આ વર્ષે અંદાજે 15 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થવાનો અંદાજ છે. હાલમાં જેસીબી, હિટાચી અને ડમ્પર જેવા સાધનો વડે રણમાંથી ખારાઘોડા ગંજે મીઠું ખેંચવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં અંદાજે 80% એટલે કે 12 લાખ મેટ્રિક ટન મીઠાની આવક ખારાઘોડા ગંજે થઈ ચૂકી છે. ડીઝલ ન મળતા બાકીના 3 લાખ મેટ્રિક ટન મીઠાના પરિવહન પર સીધી અસર પડી છે. ડીઝલ ન મળવાને કારણે વાહનચાલકોને દૂરના ગામોમાં ડીઝલ ભરાવવા જવું પડ્યું હતું. ચાલુ સીઝને ડીઝલની અછત સર્જાતા મીઠાના વેપારીઓ અને અગરિયા સમુદાયમાં ચિંતા વ્યાપી છે. પેટ્રોલ-ડીઝલની અછતને લઈને પાટડી સેવા સદન ખાતે મામલતદાર હરેશ અમીન દ્વારા પેટ્રોલ પંપ માલિકો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તાલુકાના પેટ્રોલ પંપ પર કેટલો સ્ટોક છે તેની ચર્ચા કરવામાં આવી હતી અને ખેડૂતોને પણ અડચણ ન પડે તેવી રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત, પેટ્રોલ પંપ પર કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે બાબતે તાલુકાના તમામ પોલીસ અધિકારીઓને પણ બેઠકમાં બોલાવી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને રણમાં મીઠું પકવતા અગરિયાઓને પણ પેટ્રોલ-ડીઝલની અછતને કારણે મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવા માટે મામલતદાર હરેશ અમીન દ્વારા સૂચનાઓ અપાઈ હતી.
Read Original Article →