ઝીંઝુવાડા વાછડા દાદા મંદિરે 700 મણ ચારાનું દાન:પાટડીના મલેક બીસ્મીલ્લાખાન, આમીનખાન અને દેવેન્દ્રપુરી ગોસ્વામીએ કર્યું
પાટડી તાલુકાના માલવણ ગામના મલેક બીસ્મીલ્લાખાન, આમીનખાન મલેક અને દેવેન્દ્રપુરી ગોસ્વામીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે માલવણથી ઝીંઝુવાડા સ્થિત વાછડા દાદાના મંદિરમાં ગાયો માટે 700 મણ લીલા ચારાનું દાન કર્યું છે. રણની મધ્યમાં આવેલા વચ્છરાજ દાદાની જગ્યામાં એક વિશાળ ગૌશાળા આવેલી છે, જ્યાં 5500 જેટલી ગાયો કોઈ પણ બંધન વિના મુક્તપણે ફરે છે. આ ગૌશાળાના નિભાવ માટે વાર્ષિક આશરે અઢી કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે, જે ઇશ્વરીય કૃપા અને દાતાઓ દ્વારા પૂરો પાડવામાં આવે છે. કચ્છના નાના રણમાં કુલ 74 બેટ આવેલા છે, પરંતુ સમી તાલુકાના સીમાડે આવેલા વાછડા બેટનું મહત્વ અનેરું છે. સામાન્ય રીતે રણની બંજર જમીનમાં પીપળો, લીમડો કે નીલગીરી જેવા વૃક્ષો ઉગતા નથી, પરંતુ અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વધુમાં, વેરાન રણમાં ખારું પાણી હોવા છતાં, આ ઐતિહાસિક જગ્યાએ મીઠા પાણીની અવિરત સરવાણી વહે છે.ગાયોની રક્ષા કાજે લગ્નની ચોરીએથી ઉઠીને પોતાનું બલિદાન આપનાર વીરપુરુષ વચ્છરાજ સોલંકીની યાદમાં આ જગ્યા સદીઓથી હિન્દુ-મુસ્લિમ આસ્થાના પ્રતીક તરીકે શ્રદ્ધાળુઓમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ ગૌશાળામાં 5500 જેટલી ગાયો અને વાછડા મુક્તપણે વિહરે છે. આ ઐતિહાસિક જગ્યામાં ચૈત્ર માસની એકમથી પૂનમ સુધી એક મોટો મેળો ભરાય છે, જેમાં એક લાખથી વધુ લોકો ઉમટી પડે છે. લોકવાયકા અનુસાર, આ ગાયો રામધણ સ્વરૂપ છે અને તેને કોઈ માલધારી વેચી શકતો નથી. આશ્રમનું દૂધ ફક્ત અતિથિઓના સત્કાર માટે જ વપરાય છે અને દૂધનું એક ટીપું પણ વેચવામાં આવતું નથી.
Read Original Article →