પાટડી અને ચોટીલા નગરપાલિકાઓની ચૂંટણી:કોંગ્રેસે પતિ-પત્ની, સાસુ-જમાઈ અને કિન્નર સમુદાયના ઉમેદવારને ટિકિટ આપી

Gujarat4/12/2026, 1:17:08 PM
પાટડી અને ચોટીલા નગરપાલિકાઓની ચૂંટણી:કોંગ્રેસે પતિ-પત્ની, સાસુ-જમાઈ અને કિન્નર સમુદાયના ઉમેદવારને ટિકિટ આપી
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રસપ્રદ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાટડી નગરપાલિકામાં પતિ-પત્ની અને સાસુ-જમાઈ જેવા પરિવારના સભ્યો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ચોટીલા નગરપાલિકામાં કોંગ્રેસે કિન્નર સમુદાયના ઉમેદવારને ટિકિટ આપી છે. પાટડી નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી બે દંપતીઓએ અલગ-અલગ વોર્ડમાં ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 3માંથી પ્રશાંત સીતારામજી પારીક અને વોર્ડ નંબર 5માંથી તેમના પત્ની જયા પ્રશાંતજી પારીક ચૂંટણી લડી રહ્યા છે. તેવી જ રીતે, વોર્ડ નંબર 4માંથી સતિષભાઈ ચંદારાણા અને વોર્ડ નંબર 3માંથી તેમના પત્ની હેતલબેન ચંદારાણા પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 2માંથી ગૌરીબેન કિશનભાઇ ભીમાણી અને વોર્ડ નંબર 4માંથી તેમના જ જમાઈ ધીરુભાઈ ચતુરભાઈ કનેજાએ પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. ચોટીલા નગરપાલિકાના વોર્ડ નંબર 2માંથી કોંગ્રેસે કિન્નર સમુદાયના વૈશાલી માસીને ટિકિટ આપી છે. તેમણે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. બીજી તરફ, આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દરેક સીટ પર ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી હતી. જોકે, પાટડી નગરપાલિકાની 6 વોર્ડની કુલ 24 બેઠકોમાંથી AAPના માત્ર બે જ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ઉમેદવારોમાં વોર્ડ નંબર 1માંથી વિજયભાઈ પુજારા અને વોર્ડ નંબર 3માંથી ગીરીશભાઈ કંસારાનો સમાવેશ થાય છે. બાકીની 22 બેઠકો પર આમ આદમી પાર્ટીનો કોઈ ઉમેદવાર નથી.
Read Original Article →