મુળચંદ ગામના ગ્રામજનોની ભાજપ પાસે માંગ:સ્થાનિક ચૂંટણીમાં ગામના 2 ઉમેદવારોને ટિકિટ આપો, નહીંતર વિરોધ
સુરેન્દ્રનગર: વઢવાણના મુળચંદ ગામના ગ્રામજનોએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પાસેથી ગામના બે ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ કરી છે. જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગ્રામજનોએ એક બેઠક યોજીને ભારતીય જનતા પાર્ટી સમક્ષ આ રજૂઆત કરી હતી. મુળચંદ ગામ 3500થી વધુ વસ્તી ધરાવે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગામનું પ્રતિનિધિત્વ કરવા માટે બે ઉમેદવારોને ટિકિટ મળે તેવી તેમની અપેક્ષા છે. ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ ગામની મુલાકાત લીધી હોવા છતાં, તેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને ભવિષ્યમાં પણ ભાજપમાં જ રહેવા માંગે છે. તેથી, તેઓ ભાજપ પાસેથી જ સકારાત્મક પ્રતિસાદની અપેક્ષા રાખે છે. સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી છે, જેમાં મુળચંદ ગામ સહિત આસપાસના પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. દરેક વોર્ડમાં 30થી વધુ ઉમેદવારોએ ટિકિટ માંગી છે અને કુલ 500થી વધુ દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપ 13 વોર્ડમાં કયા 52 ઉમેદવારોની પસંદગી કરશે તેના પર સૌની નજર છે. આ સંજોગોમાં, જો ભાજપ પક્ષ મુળચંદ ગામના ઉમેદવારોની પસંદગી નહીં કરે, તો ગામમાં વિરોધનો વંટોળ સર્જાઈ શકે છે અને નવા રાજકીય સમીકરણો જોવા મળી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
Read Original Article →