નાના કેરાલામાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો:સેવાભાવી મોહન પટેલ અને સંસ્થાઓના સહયોગથી 7 હજાર ચશ્માનું વિતરણ
સુરેન્દ્રનગરના નાના કેરાલા ગામે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ ખેડૂત આગેવાન અને શારદાપીઠના ટ્રસ્ટી તેમજ સેવાભાવી મોહનભાઈ પટેલ તથા સુરેન્દ્રનગર રોટરી ક્લબના સહયોગથી યોજવામાં આવ્યો હતો. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અને શ્રીમદ રાજચંદ્ર સ્વ મંગલ હોસ્પિટલ દ્વારા આયોજન કરાયું હતું. આ સંસ્થાઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આંખની તપાસ કરીને જરૂરિયાતમંદ નાગરિકોને નંબરવાળા ચશ્માનું વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજે 40 ગામોમાં 7,000 થી વધુ લોકોને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 30 લાખ આસપાસ છે. જે દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર હોય, તેમને રાજકોટ લઈ જઈને વિનામૂલ્યે લેન્સ મૂકવામાં આવે છે. આ ઉપરાંત, લોહીના કણ ઓછા હોય તેવા દર્દીઓને મફત દવાઓ અને ટેબ્લેટ પણ આપવામાં આવે છે. જે દર્દીઓના મોતિયાના ઓપરેશન બાકી છે, તેમના માટે 22 જૂને સુરેન્દ્રનગર મેળાના મેદાન પાસે આવેલા લાયન્સ ક્લબ હોલમાં રાજકોટથી ડોકટરો આવશે. ત્યાંથી તેમને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટમાં મણી મુકવા માટે લઈ જવામાં આવશે. આ તમામ સેવાઓ તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલે આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા શ્રીમદ રાજચંદ્ર સ્વ મંગલ હોસ્પિટલના મેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે 40 ગામોના સરપંચો અને આગેવાનોનો પણ આભાર માન્યો હતો, જેઓ આ સેવાકાર્યમાં સહયોગી બન્યા હતા.
Read Original Article →