મૌલિક ત્રિવેદીએ કેનેડા ક્રિકેટ લેવલ-3 અમ્પાયર પરીક્ષા પાસ કરી:90%થી વધુ માર્ક્સ સાથે પદ્મશ્રી જગદીશભાઈના પુત્રએ સિદ્ધિ મેળવી
પદ્મશ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદીના પુત્ર મૌલિક ત્રિવેદીએ કેનેડામાં ક્રિકેટ અમ્પાયરિંગ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. તેમણે કેનેડા ક્રિકેટ એસોસિએશનની સર્વોચ્ચ 'લેવલ-3' અમ્પાયર પરીક્ષા 90%થી વધુ માર્ક્સ સાથે પાસ કરી, ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. મૌલિક ત્રિવેદીને તેમની અમ્પાયરિંગ કુશળતા માટે ગત વર્ષે 'ઇમર્જિંગ અમ્પાયર ઓફ ધ યર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં, તેમણે કેનેડાની રાષ્ટ્રીય વન-ડે ક્રિકેટ ટીમના સિલેક્શન માટેની મહત્વપૂર્ણ મેચોમાં પણ સચોટ અમ્પાયરિંગ કરીને ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓનું ધ્યાન ખેંચ્યું હતું. પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીની જેમ, મૌલિક પણ સમાજસેવામાં સક્રિય છે. તાજેતરમાં, તેમણે કેન્સર પીડિતોની સહાય માટે આયોજિત એક ચેરિટી મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું. આ હાઈ-પ્રોફાઈલ મેચમાં વિશ્વના ખ્યાતનામ ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સ પણ ભાગ લીધો હતો. મૌલિકે આ મેચમાંથી મળેલી પોતાની સંપૂર્ણ અમ્પાયરિંગ ફી કેન્સર પીડિતોના ફંડમાં દાન કરી હતી. પુત્રની આ સિદ્ધિ અને સેવાભાવના પર પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, "મૌલિકે પોતાની મહેનતથી આ મુકામ હાંસલ કર્યો છે અને સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હું પ્રાર્થના કરું છું કે તે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ અમ્પાયર બને." મૌલિક ત્રિવેદીની આ સિદ્ધિ બદલ રમતગમત જગત, ચાહકો અને વિવિધ મહાનુભાવો તરફથી તેમને અભિનંદન મળી રહ્યા છે. ભારતભરના ખેલપ્રેમીઓ મૌલિક આગામી સમયમાં ICC ના ઓફિશિયલ અમ્પાયર તરીકે મેદાન પર દેખાય તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
Read Original Article →