માલવણ ટોલ નાકા પાસે દારૂ ભરેલી બોલેરો ઝડપાઈ:ચોરખાનામાંથી રૂ.6.15 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી પકડાયો

Gujarat5/12/2026, 2:22:29 PM
માલવણ ટોલ નાકા પાસે દારૂ ભરેલી બોલેરો ઝડપાઈ:ચોરખાનામાંથી રૂ.6.15 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી પકડાયો
સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ટોલ નાકા નજીક હાઈવે પરથી બોલેરો પીકઅપ ગાડીના ચોરખાનામાંથી રૂ. 1,10,640નો ઇંગ્લિશ દારૂ ઝડપાયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સુરેન્દ્રનગર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં દારૂ, વાહન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 6,15,640નો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢી આવી બદીને નાબૂદ કરવા સૂચના આપવામાં આવી હતી. આ અંતર્ગત, જિલ્લામાંથી પસાર થતા હાઈવે રોડ પર ખાસ પેટ્રોલિંગ ગોઠવીને ચોરીછૂપીથી દારૂ ઘુસાડવાના પ્રયાસોને રોકવા માટે LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને અસરકારક કામગીરી કરવા નિર્દેશ અપાયો હતો. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ અલગ અલગ ટીમો બનાવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, માલવણ ટોલ નાકાથી અડધો કિલોમીટર આગળ માલવણ ગામ તરફ જતા હાઈવે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ વોચ દરમિયાન, એક બોલેરો પીકઅપ ગાડીને રોકવામાં આવી હતી. તેની તલાશી લેતા ગાડીમાં બનાવેલા ચોરખાનામાંથી 432 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 1,10,640 આંકવામાં આવી છે. પોલીસે રૂ. 5,000નો એક મોબાઇલ ફોન અને રૂ. 5,00,000ની બોલેરો પીકઅપ ગાડી પણ જપ્ત કરી હતી. આમ, કુલ રૂ. 6,15,640ના મુદ્દામાલ સાથે બોલેરો પીકઅપના ચાલક રાયમલ દેવારામ દેવાસી (રહે. નવારા ગામ, તા. કાલંદ્રી, જિ. સિરોહી, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી રાયમલ દેવારામ દેવાસીનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં બનાસકાંઠાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન અને બોપલ પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ગુના નોંધાયેલા છે. આ કામગીરીમાં LCB ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો. સબ. ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો. સબ. ઇન્સ. એન.એ. રાયમા તથા સ્ટાફના પો. હેડ. કોન્સ. યશપાલસિંહ રાઠોડ, પો. હેડ. કોન્સ. અજયસિંહ ઝાલા, પો. કોન્સ. સંજયભાઈ પાઠક, પો. કોન્સ. ગિરીરાજસિંહ જાડેજા અને પો. કોન્સ. મેહુલભાઈ મકવાણા સહિતની ટીમે સફળતાપૂર્વક કામગીરી કરી હતી.
Read Original Article →