માલવણ-વિરમગામ હાઈવે પર ચોખાના ભુસાની આડમાં ઘૂસાડાતો દારૂ ઝડપાયો:મજેઠી ચેકપોસ્ટ નજીક કન્ટેનરમાંથી 2952 બોટલ દારૂ અને 16704 બીયર મળી, ₹66 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ-વિરમગામ હાઇવે પરથી ચોખાના ભુસાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. મજેઠી ચેકપોસ્ટ નજીકથી કન્ટેનરમાંથી 2952 બોટલ દારૂ અને 16704 બીયર મળી હતી. પોલીસે ₹66.24 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ટ્રક ચાલકની ધરપકડ કરી છે. પોલીસને ટ્રકમાંથી ₹41.13 લાખની કિંમતનો 2,952 કાચની શીલબંધ દારૂની બોટલો અને 16,704 બીયર ટીન મળી આવ્યા હતા. આ ઉપરાંત, ₹25 લાખની કિંમતનો એક ટાટા કંપનીનો ટ્રક, ₹10,000ના બે મોબાઈલ ફોન અને ₹1,500ના 150 ચોખાના ભુસાના કોથળા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં હાફીદખાન તૈયબખાન પઠાણ (રહે. દેવપુરા પરાડીયા, તા. ચૌહટન, જિ. બાડમેર, રાજસ્થાન) નામના ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. દારૂ મોકલનાર ઉત્તમ કુમાર, ટ્રકના માલિક, દારૂ ભરેલો ટ્રક આપી જનાર અજાણ્યો ઇસમ અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમો સહિત અન્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી જિલ્લામાં પ્રોહિબિશનની બદીને નાબૂદ કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એન.એ. રાયમાની ટીમે આ કાર્યવાહી કરી હતી.
Read Original Article →