લખતર-વિરમગામ હાઈવે લોહીલુહાણ:બેફામ ગતિએ આવતા ડમ્પરે પદયાત્રીઓને કચડ્યાં;એક જ પરિવારના 7 સભ્યોના મોત;ભરવાડ સમાજમાં માતમ

Gujarat4/13/2026, 3:08:15 AM
લખતર-વિરમગામ હાઈવે લોહીલુહાણ:બેફામ ગતિએ આવતા ડમ્પરે પદયાત્રીઓને કચડ્યાં;એક જ પરિવારના 7 સભ્યોના મોત;ભરવાડ સમાજમાં માતમ
ગુજરાતના ધોરીમાર્ગો પર રક્તરંજિત અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે વહેલી સવારના સુમારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના આકાર પામી છે. લખતરના ભાસ્કરપરા ગામની સીમમાં બેફામ ગતિએ દોડતા એક ડમ્પર ચાલકે શ્રદ્ધાના માર્ગે નીકળેલા પદયાત્રીઓના સંઘને કચડી નાખતા 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ અને હૃદયદ્રાવક મોત નિપજ્યા છે. કાળમુખા ટ્રકે કચડી નાખ્યા લખતર-વિરમગામ હાઈવે પર આવેલા છારદ અને ભાસ્કરપરા ગામ વચ્ચે ગતરાત્રે ડમ્પરની અડફેટે અકસ્માતની એક ભયાનક ઘટના સામે આવી છે. રાજકોટથી મેરા જઈ રહેલા ભરવાડ સમાજના યાત્રાળુઓના સંઘને આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. રાજકોટથી નીકળેલા આ પદયાત્રીઓ જ્યારે છારદ અને ભાસ્કરપરા વચ્ચે પહોંચ્યા, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે તેમને હડફેટે લીધા હતા. પાંચ મહિલા અને બે પુરુષના મોત આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. અકસ્માતને પગલે યાત્રાળુઓની કરુણ ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ભરવાડ સમાજના એકસાથે 7 સભ્યોના મોતથી સમગ્ર માલધારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મંદિરે ધજા ચડાવે તે પહેલા પોતાના પર ખાપણ ઢંકાઈ ગયું ભીષણ અકસ્માતનો ભોગ બનનારા તમામ કમનસીબ મૃતકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પદયાત્રીઓ પોતાની આસ્થાના પ્રતીક સમાન રાજકોટના ગઢકા ગામે સ્થિત મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા, આજે સવારે મંદિરે આ સંઘની ધજા ચઢવાની હતી તે દરમિયાન લખતર-વિરમગામ માર્ગ પર કાળમુખા ડમ્પરે તેમને પોતાની અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં 5 મહિલાઓ અને 2 પુરુષો એમ કુલ 7 સભ્યો કાળનો કોળિયો બની જતાં પરિવાર પર વજ્રઘાત થયો છે. આ અકસ્માતમાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. રોડ પર ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ પ્રત્યક્ષદર્શીઓના હચમચાવી દેતા નિવેદન અનુસાર, બેકાબૂ ડમ્પરે ચાલકે અંદાજે 10 જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માતની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે પદયાત્રીઓના પાર્થિવ દેહ હાઈવે પર લોહીલુહાણ હાલતમાં વેરવિખેર થઈ ગયા હતા. ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાની ઘટના સ્થળે પહોંચ્યા લખતર વિરમગામ હાઈવે પર મધ્ય રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં ભરવાડ સમાજમાં સાત લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ગોઝારી ઘટનાના પગલે દસાડા લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર, ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાની ઘટના સ્થળે પહોંચ્યા છે, અને ઘટના અંગે સંપૂર્ણ જાણકારી મેળવી હતી. ભરવાડ સમાજની જગ્યા ગેડીયાના મહંત લાલદાસ બાપુ અને ધારાસભ્ય પી. કે. પરમારે સાંત્વના પાઠવી રાજકોટથી મેરા પગપાળા જઈ રહેલા ભરવાડ સમાજના સંઘ પર બેફામ દોડતો ટ્રક ફરી વળતા ભરવાડ સમાજના સાત લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ગોઝારી ઘટનાની જાણ થતાં ભરવાડ સમાજની જગ્યા ગેડીયાના મહંત લાલદાસ બાપુ પણ તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મૃતક ભરવાડ સમાજના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર જી.એચ.સોલંકી ઘટનાસ્થળે પહોંચ્યા લખતર વિરમગામ હાઈવે પર સર્જાયેલા ગોઝારા અકસ્માતના પગપાળા જઈ રહેલા સંઘ પર ટ્રકના ટાયર ફરી વળતા સાત લોકોના મોત નીપજ્યા હતા. આ ગોઝારી ઘટનાના સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર જી.એચ.સોલંકી ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અને અકસ્માતની ઘટના અંગે સ્થિતિની સમીક્ષા કરી વિગતો મેળવી હતી. ટ્રકચાલક ફરાર ચીસ અને આક્રંદ વચ્ચે ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો અને 108ની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર હોસ્પિટલ ખસેડી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથક અને ભરવાડ સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો છે, તેમજ હાઈવે પરની સુરક્ષા વ્યવસ્થા સામે પુનઃ ગંભીર પ્રશ્નાર્થ ચિન્હ ઊભા થયા છે. આ સમાચાર પણ વાંચો વઢવાણ-લખતર હાઇવે પર અકસ્માત, આઠનાં મોત:બે કાર ટકરાતાં આગ ફાટી નીકળી, એક બાળકી સહિત આઠ મુસાફરો જીવતા ભૂંજાયા; ત્રણ ઇજાગ્રસ્ત આઠ મહિના પહેલા ઓગસ્ટ મહિનામાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-લખતર હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા એક બાળકી સહિત આઠ લોકો જીવતા ભૂંજાયા હોવાની ઘટના સામે આવી હતી. વઢવાણ-લખતર હાઇવે પર આવેલા ઝમર અને દેદાદરા ગામ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી. જેમાં સળગી ઉઠેલ કારમાં સવાર ધંધુકા તાલુકાના ઝીઝર ગામના અને લખતરના કડુ ગામના સગા સંબંધીઓના કુલ આઠ લોકોના મોત નિપજયા હતા (સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
Read Original Article →