ખારાઘોડામાં ફેક્ટરીની દીવાલ તોડી, પિતા-પુત્ર પર હુમલો:વેપારીએ ત્રણ સામે ફરિયાદ નોંધાવી, પોલીસે તપાસ શરૂ કરી
પાટડી તાલુકાના ખારાઘોડામાં એક ફેક્ટરીની દિવાલ તોડવા અને વેપારી પિતા-પુત્ર પર હુમલો કરવાના બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં વેપારીએ ખારાઘોડાના એક શખ્સ સહિત ત્રણ ઈસમો વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પાટડી ખાતે રહેતા અને મૂળ રાજસ્થાનના યોગેશભાઈ રામવલ્લભભાઈ શર્મા ખારાઘોડા ગામે 'જય કેમિકલ કંપની' નામની ફેક્ટરી ચલાવે છે. તેઓ પાટડી ખાતે પોતાના ઘરે હતા ત્યારે તેમની ફેક્ટરીમાં કામ કરતા મહેશ મુળજીભાઈ ધામેચાનો ફોન આવ્યો હતો. મહેશે જણાવ્યું કે ખારાઘોડાનો ટીપુ હાસમભાઈ સામતાણીનો માણસ ફેક્ટરીની દિવાલ પાડી રહ્યો છે અને તેને રોકી રાખ્યો છે. આ માહિતી મળતા યોગેશભાઈ શર્મા પોતાના પુત્ર યશ શર્મા સાથે તાત્કાલિક ગાડી લઈને ખારાઘોડા ગામે પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે જોયું કે ટીપુ હાસમભાઈ સામતાણી સહિતના લોકો દિવાલ કેમ બનાવી છે તેમ કહી હિટાચી વડે દિવાલ પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. યોગેશભાઈએ દિવાલ પાડવાની ના પાડતા ટીપુ સામતાણી ઉશ્કેરાઈ ગયો હતો. ટીપુ હાસમભાઈ સામતાણીએ યોગેશભાઈને ગાળો ભાંડી તેમના ડાબા ગાલ પર બે ફડાકા માર્યા હતા. ત્યારબાદ તેણે પોતાના માણસોને બોલાવ્યા હતા, જેઓ લાકડી અને ધોકા લઈને આવ્યા અને યોગેશ શર્મા તથા તેમના પુત્ર યશ શર્મા પર હુમલો કર્યો હતો. તે જ સમયે યોગેશભાઈના મોટાભાઈ રાજેશભાઈ શર્મા ત્યાં આવી પહોંચતા ટીપુ સામતાણી સહિતના હુમલાખોરો નાસી છૂટ્યા હતા. હુમલા બાદ યોગેશભાઈ શર્મા અને પુત્ર યશ શર્માને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે વેપારી યોગેશભાઈ શર્માએ ખારાઘોડાના ટીપુ હાસમભાઈ સામતાણી સહિતના શખ્સો વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પાટડી પોલીસ મથકના જે.કે. મકવાણા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
Read Original Article →