મહિલા રાજનો પ્રારંભ:મુખ્ય હોદ્દેદારો અને‎ અધિકારીઓ મહિલા‎

Gujarat5/26/2026, 12:00:00 AM
મહિલા રાજનો પ્રારંભ:મુખ્ય હોદ્દેદારો અને‎ અધિકારીઓ મહિલા‎
ઝાલાવાડના રાજકારણમાં એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં હવે સત્તાવાર રીતે મહિલા રાજનો પ્રારંભ થયો છે. તાજેતરમાં યોજાયેલી પ્રથમ ખાસ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે મહિલા ઉમેદવારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. વિશેષ વાત એ છે કે, સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પણ મહિલા જ હોવાથી સુકાન નારીશક્તિના હાથમાં છે. ઝાલાવાડ પંથકમાં તળપદા અને ઠાકોર સમાજનું ભારે પ્રભુત્વ છે. જેમાં લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા ઠાકોર સમાજના છે. આથી તળપદા કોળી સમાજને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ ભાજપ મોવડી મંડળે આપ્યું છે. આથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક કલેક્ટર કચેરી ખાતે મળી હતી. જેમાં પ્રમુખ પદે વઢવાણ તાલુકાના ખોડુ સીટ પર વિજેતા રંજનબેન ઘનશયામભાઈ ભુસડીયા અને ઉપપ્રમુખ પદે પાયલબેન દર્શનકુમાર પટેલની બિનહરીફ વરણી થઈ હતી. ખેતી કરતી મહિલા પ્રમુખ બની વઢવાણ તાલુકાના ટુવા ગામની દીકરી અને કરણગઢ ગામના 47 વર્ષના રંજનબેન ઘનશ્યામભાઈ ભુસડીયા ધો. 7 સુધી ભણેલા છે. તેઓ કરણગઢમાં ખેતમજૂરી પણ કરી રહ્યા છે. ખોડુ સીટ પર ચૂંટણી લડીને વિજેતા બની જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે. કદાવર નેતાઓ કપાયા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં રાજુભાઈ કરપડા, જસુભા સોલંકી, રાઠોડ હરપાલસિંહ, ચાવડા જયેશભાઈ, ભગીરથસિંહ રાણા વગેરે કદાવર નેતાઓ કપાયા છે. આથી તેઓ હવે બાકી ચેરમેન સમિતિ પર નજર રાખશે. જેમાં બાંધકામ આરોગ્ય અને શિક્ષણ સમિતિ માટે હોડ જામી શકે છે. સાયલા, ચુડા, મૂળી સહિત તાલુકાને અન્યાય આગામી 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણ સેટ કરવા આવી રહ્યા છે. જેમાં સાયલા, મૂળી, ચુડા સહિતના તાલુકાને પ્રતિનિધત્વ મળ્યું નથી. આથી બાકી ચેરમેન પદ માટે તાલુકા જાતિના સમીકરણ સેટ કરવામાં આવી રહ્યા છે. 5 નામ પરંતુ વરણી માત્ર 2ની જ થઈ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપ પક્ષે 5 હોદ્દેદારના નામ જાહેર કર્યા હતા. જેમાં નામો સાથે મેન્ડેન્ટ પણ આપવામાં આવ્યા હતા. પરંતુ ક્લેક્ટર કચેરી ખાતે પ્રથમ બેઠકમાં એજન્ડા રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની જ વરણી કરવામાં આવી હતી. આથી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની હવે પછીની બેઠકમાં બાકી હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.
Read Original Article →