રતનપરમાં ગેરકાયદે પિસ્તોલ સાથે એક ઝડપાયો:જોરાવરનગર પોલીસે 40 હજારની દેશી બનાવટની પિસ્તોલ જપ્ત કરી
સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર ગાંડાવડીમાંથી જોરાવરનગર પોલીસે ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તલ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 40,000 રૂપિયાની કિંમતની પિસ્તલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ASP કરનકુમાર પન્નાના માર્ગદર્શન હેઠળ જોરાવરનગર પોલીસની સર્વેલન્સ ટિમે કામગીરી કરી છે. પોલીસને બાતમી મળી હતી કે રતનપર ગાંડાવડીનો 25 વર્ષીય અનીશ રફીકભાઈ માલાણી, જે મજૂરી કામ કરે છે, તે રામેશ્વર મંદિરથી વોરા પેટ્રોલપંપ તરફ જતા રસ્તે ગેરકાયદેસર હથિયાર સાથે ચાલી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અનીશ માલાણીને અટકાવ્યો હતો. તેની તલાશી લેતા, તેના પેન્ટના નેફામાંથી 40,000 રૂપિયાની કિંમતની એક દેશી હાથ બનાવટની પિસ્તલ મળી આવી હતી, જે પોલીસે જપ્ત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી અનીશ માલાણીએ કબૂલ્યું હતું કે તેણે આ પિસ્તલ સુરેન્દ્રનગરની ફિરદોષ સોસાયટી, ચારમાળીયામાં રહેતા ઇમરાન ઉર્ફે ઇરફાન રહીમભાઈ જેડા પાસેથી મેળવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઇમરાન ઉર્ફે ઇરફાન રહીમભાઈ જેડાને પકડવા માટે પણ કાર્યવાહી ચાલી રહી છે.
Read Original Article →