AI ફોટો મોર્ફની ધમકી આપી ₹1.30 લાખ પડાવ્યા:કોલેજિયન યુવતીને બ્લેકમેલ કરનાર શખ્સ સામે જોરાવરનગર પોલીસમાં ગુનો દાખલ
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના એક ગામમાં 19 વર્ષીય કોલેજિયન યુવતીને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેક્નોલોજી વડે ફોટો મોર્ફ (ખરાબ) કરી વાયરલ કરવાની ધમકી આપી ₹1.30 લાખ પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે જોરાવરનગર પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીની ઓળખ કોહીનુર અરવિંદભાઈ ગાદલીયા (રહે. વઢવાણ ગ્રામ્ય વિસ્તાર) તરીકે થઈ છે. ગત સપ્ટેમ્બર-2025માં આરોપી કોહીનુરે યુવતીને ફોન કરીને જણાવ્યું હતું કે તેણે યુવતીના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી તેનો ફોટો મેળવી લીધો છે. જો યુવતી પૈસા નહીં આપે તો તે આ ફોટોને AI વડે એડિટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે તેવી ધમકી આપી હતી. બદનામીના ડરથી યુવતીએ કટકે-કટકે આરોપીને કુલ ₹1.30 લાખ આપ્યા હતા. જેમાં ₹80,000 રોકડા અને બાકીના ₹50,000 કોલેજની ફી ભરવાના બહાને ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આટલી રકમ પડાવ્યા બાદ પણ આરોપીએ વધુ ₹2 લાખની માંગણી ચાલુ રાખી હતી. યુવતીએ ફરીથી ઘરે પૈસા માંગતા તેના પિતાને શંકા ગઈ હતી. પિતાએ કડકાઈથી પૂછપરછ કરતા યુવતીએ પોતાની સાથે થયેલી સમગ્ર ઘટના જણાવી દીધી હતી. ત્યારબાદ પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. યુવતી પોલીસમાં ફરિયાદ કરવાની છે તેવી જાણ થતાં જ આરોપી કોહીનુરે બચવા માટે એક નવો પેંતરો રચ્યો હતો. તેણે AIની મદદથી અખબારના કટિંગ જેવા એક 'ફેક સમાચાર' બનાવ્યા હતા. જેમાં દર્શાવ્યું હતું કે કોઈ યુવાને અન્ય પર છરી વડે હુમલો કર્યો છે. આરોપીએ આ ફેક ન્યૂઝનું કટિંગ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મૂક્યું હતું, જેથી ગામના લોકોને એવું લાગે કે પોલીસ તેને કોઈ છરીબાજીના કેસમાં પકડી ગઈ છે, બ્લેકમેઇલિંગના કેસમાં નહીં. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધીને આરોપી કોહીનુર ગાદલીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ આ કેસની વધુ તપાસ પીએસઆઈ સી.ડી.પીઢીયા ચલાવી રહ્યા છે.
Read Original Article →