ફરિયાદ:દીકરીને હોસ્ટેલ મોકલવા મુદ્દે પતિએ પત્નીને માર પણ માર્યો
સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર આવેલી હીરાબાગ સોસાયટીમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ સુરેન્દ્રનગર સીટી બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં રજનીબેન હીતેશભાઇ પરમારે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ કે, રજનીબેન પરમારના લગ્ન 2009માં હીતેશભાઈ પરમાર સાથે થયા હતા. તા. 4 જૂન-2026ના રોજ રાત્રે દીકરીને હોસ્ટેલ મોકલવાની બાબતે બોલાચાલી થતા પતિ હીતેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને પત્નીને માર માર્યો હતો. આ દરમિયાન સાસુ શારદાબેન અને સસરા કાંતીભાઈએ પણ રજનીબેનને ગાળો આપી માર મારવામાં સાથ આપ્યો હતો. પરિણીતાને ગંભીર ઇજાઓ થતા 108 મારફતે ગાંધી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. અગાઉ પણ સાસરિયાઓ દીકરાના જન્મ બાબતે મેણા-ટોણા મારી હેરાન કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. બી ડિવિઝન પોલીસે આ બનાવમાં પતિ હિતેશભાઈ કાંતીભાઈ પરમાર, સસરા કાંતીભાઈ ઘેલાભાઇ પરમાર અને સાસુ શારદાબેન કાંતીભાઈ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ નિરદીપસિંહ ઝાલાએ ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ, જુગાર સહિત માર મારવાના કિસ્સાઓમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
Read Original Article →